રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સિંહણે બચ્ચાને જન્મ આપતાં લાયનની સંખ્યા વધીને 15 પર પહોંચી
રાજકોટઃ શહેરના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સિંહણએ બચ્ચાને જન્મ આપ્યો છે. ઝૂમાં પાંચ સિંહ, નવ સિંહણ અને એક સિંહબાળ સહિત એશિયાટિક લાયનની કુલ સંખ્યા 15 એ પહોંચી ગઈ છે. સિંહણ અને તેના બચ્ચાની ઝૂના કર્મચારીઓ હાલ સારીએવી દેખભાળ રાખી રહ્યા છે.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયુ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.50 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાત લેતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે.
પદ્યુમન પાર્કના કર્મચારીઓએ જણાવ્યું હતું કે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે તાજેતરમાં એશિયાઇ સિંહણે સિંહ બાળને જન્મ આપ્યો હતો ઝૂ ખાતે એક એશિયાઇ સિંહ બાળનો જન્મ એશિયાઇ સિંહ નર હરીશ તથા માદા સિંહણ સ્વાતીના સંવનનથી 105 દિવસના ગર્ભાવસ્થાના અંતે સિંહ માદા સ્વાતી દ્વારા તા.12.02.203 ના રોજ બપોર પછીના સમયે સિંહ બાળ જીવ 1 નો જન્મ થયો છે. માતા સ્વાતી દ્વારા બચ્ચાંની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચું બન્ને તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાંનું સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે. સિંહણ સ્વાતીએ આ બીજી વખત બચ્ચાને જન્મ આપ્યો છે. અગાઉ તા.24.09.2014 ના રોજ સિંહ નર “નીલ” સાથેના સંવનનથી ત્રણ સિંહ બાળને જન્મ આપ્યા હતા. સામાન્ય રીતે સિંહ, વાઘ, દિ૫ડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બે થી ત્રણ બચ્ચાંને જન્મ આ૫તા હોય છે. ખૂબજ ઓછા કિસ્સામાં એક બચ્ચું અથવા ચારથી પાંચ બચ્ચાંઓ જન્મતા હોય છે.
ઝૂના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ એશીયાઇ સિંહ તથા સફેદ વાઘને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે એશીયાઇ સિંહ બાળ 1 નો જન્મ થતા એશીયાઇ સિંહની સંખ્યા 15 થઇ છે. જેમાં પુખ્ત નર-5, પુખ્ત માદા-9 તથા બચ્ચા-1 નો સમાવેશ થાય છે. રાજકોટ ઝુ ખાતે નવા જન્મેલા સિંહ બાળ સહિત અત્યાર સુધીમાં કુલ 50 સિંહબાળનો જન્મ થયો છે.