Site icon Revoi.in

રાજુલા વિસ્તારમાં ત્રણ વ્યક્તિઓ પર હુમલો કરી દોડધામ કરતી સિંહણને વન વિભાગે પાંજરે પુરી

Social Share

અમરેલીઃ  જિલ્લામાં સિંહની વસતી વધતી જાય છે. ત્યારે રાજુલા વિસ્તારમાં એક સિંહણે ત્રણ વ્યક્તિઓ પર હુમલો કરતા વન વિભાગે સિંહણને પકડવા માટે જહેમત ઊઠાવી હતી. ચબરાક ગણાતી સિંહણ પાંજરે ન પુરાતા  એનિમલ ડોક્ટર દ્વારા ટ્રાન્ક્યુલાઈઝ કરી સિંહણને ઝડપી લીધી હતી. અને  10 કલાકના મેગા ઓપરેશન બાદ ટીમને સિંહણને પકડી પાંજરે પુરવામાં સફળતા મળી હતી.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  સવારના સમયે રાજુલાના વાવેરા ગામમાં એક સિંહણે બે લોકો પર હુમલો કર્યો હતો. ત્યારબાદ  ધાતરવાડી ડેમ નજીક સિંહણે વધુ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો.  ઘટનાની જાણ વન વિભાગની ટીમને થતાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સિંહણને પાંજરે પૂરવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આક્રમક બનેલી સિંહણ ભાગે તે પહેલા જ એનિમલ ડોક્ટર દ્વારા ટ્રાન્ક્યુલાઈઝ કરી સિંહણને ઝડપી લીધી હતી. 10 કલાકના મેગા ઓપરેશન બાદ ટીમને સિંહણને પકડી પાંજરે પુરવામાં સફળતા મળી હતી.

વન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજુલા તાલુકાના વાવેરા ગામમાં સવારના સમયે જ વિજય વશરામભાઈ સોલંકી અને મંજુબેન મગનભાઈ સોલંકી પર સિંહણે હુમલો કરી દેતાં બંને લોકોને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અચાનક જ ગામમાં સિંહણ આવી ચડતાં ગામલોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વાવેરા ગામમાં સિંહણના હુમલાની ઘટનાની જાણ થતાં રાજુલા અને જાફરાબાદ વન વિભાગની ટીમ વાવેરા ગામ પહોંચી હતી. અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સિંહણને પકડવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સિંહણ ભાગંભાગ કરતી હતી તેથી વન વિભાગને રેસ્ક્યૂ કરવામાં તકલીફ પડી હતી.

રાજુલાના વાવેરા ધારેશ્વર સીમ વિસ્તારમાં સિંહણનું લોકેશન મેળવી લેવાયું હતું. અને આક્રમક બનેલી સિંહણ ભાગે તે પહેલા જ એનિમલ ડોક્ટર દ્વારા ટ્રાન્ક્યુલાઈઝ કરી સિંહણને ઝડપી લીધી હતી. 10 કલાક સુધીના મેગા ઓપરેશન બાદ સિંહણને પકડી પાંજરે પુરવામાં સફળતા મળી હતી. અલગ અલગ રેન્જના કર્મચારીઓ, ઓફિસરો સમગ્ર ઓપરેશનમાં જોડાયા હતા. સિંહણને પાંજરે પુરી એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી.