ગાંધીનગર જિલ્લામાં સપ્ટેમ્બરમાં મુદત પુરી થતી હોય તેવી ગ્રામ પંચાયતોની યાદી બનાવાશે
ગાંધીનગરઃ જિલ્લાની 90 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવા માટે વહીવટી તંત્રને સૂચના અપાઈ છે, જેમાં 30 સપ્ટેમ્બર સુધીમાં મુદત પૂરી થતી હોય કે પૂરી થયેલી હોય તેવી ગ્રામ પંચાયતોની વોર્ડ અને બેઠકો મુજબ મતદારયાદી તૈયાર કરવાના આદેશો ચૂંટણી પંચે કર્યો છે. આથી ગ્રામ પંચાયતની ચૂંટણી સપ્ટેમ્બર, 2022 પછી યોજાશે, તેમ લાગી રહ્યું છે. એપ્રિલ, 2022માં જિલ્લાની 90 ગ્રામ પંચાયતની મુદત પૂરી થઈ હતી. જોકે વહીવટી કામગીરી અટકી પડે ન તે માટે વહીવટદાર મૂકી દેવામાં આવ્યા છે. હવે વિધાનસભાની ચૂંટણી પહેલા ગાંધીનગર જિલ્લાની 90 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના ચૂંટણી પંચે આદેશ કર્યો છે કે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર, 2022 સુધીમાં મુદત પૂરી થતી હોય કે થયેલી હોય તેવી ગ્રામ પંચાયતોને આવરી લેવાની રહેશે. આથી સપ્ટેમ્બર, 2022 પછી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. ત્યાર બાદ ગ્રામ પંચાયતની ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થાય તેવી શક્યતા છે. જોકે વોર્ડ અને સીમાંકન મુજબ મતદાર યાદી તૈયાર કરવા માટે ગત વર્ષ 2011ના વસ્તી ગણતરીના આંકડા મુજબ કામગીરી કરવાની રહેશે. તેમાં મહિલા અનામત, અનામત કેટેગરીની સરપંચની બેઠકો, વોર્ડની બેઠકો સહિતની યાદી તૈયાર કરીને પ્રસિદ્ધ કરવાની રહેશે. જોકે ગ્રામ પંચાયતો માટેની મતદાર યાદી તૈયાર કરવામાં જે ગ્રામ પંચાયતની સરપંચ કે સભ્યની જગ્યા ખાલી પડી હોય સહિતનો સમાવેશ કરવાનો પણ આદેશમાં ઉલ્લેખ કર્યો છે. મતદાર યાદી તૈયાર કર્યા બાદ તેને પ્રસિદ્ધ કરીને તેમાં કોઇ વાંધા કે સુચનો હોય તે લેવાના રહેશે.ત્યાર બાદ વાંધા-સુચનો પછી આખરી યાદી પ્રસિદ્ધ કરવાની રહેશે. મતદારયાદીની ચકાસણી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર, નાયબ તાલુકા વિકાસ અધિકારી, નાયબ ચીટનીશ, સર્કલ ઇન્સ્પેક્ટર સહિતને સત્તાઓ આપવામાં આવી છે.