અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, તેથી વેક્સિનનો બીજો ડોઝ ન લેનારા વ્યક્તિઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને વેક્સિન ન લેનારા લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. શહેરમાં મંગળવારે 1290 કેસ નોંધાયા હતા. શહેરમાં સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે. જે લોકોએ કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી, તેની યાદી પોલીસ સ્ટેશનને અપાશે. અને પોલીસ દ્વારા ફોન કરીને વેક્સિન લેવા માટેનું કહેણ મોકલવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસમાં કોરોના સંક્રમણમાં જે ગતિએ વધારો થઈ રહ્યો છે, તેને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં એવા ઘણા લોકો છે જેણે હજુ સુધી કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી. પરંતુ હવે જે લોકોએ વેક્સિનો બીજો ડોઝ લીધો નથી તેને રસી આપવા માટે મ્યુનિ.એ મોટો નિર્ણય લીધો છે. અમદાવાદ મ્યુનિ.એ કોરોનાની રસીનો બીજો ડોઝ ન લેનારા લોકો માટે પોલીસની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. જે લોકોએ રસીનો બીજો ડોઝ લીધો નથી તેનો ડેટા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પોલીસને સોંપવામાં આવશે. ત્યારબાદ પોલીસ આ લોકોને બીજો ડોઝ લેવા માટે ફોન કરશે.
કોરોના સંક્રમણને અટકાવવા માટે રસી લેવી ખુબ જરૂરી છે. પરંતુ શહેરમાં આશરે છ લાખ જેટલા લોકો એવા છે જેણે રસીનો પ્રથમ ડોઝ લીધો છે, પરંતુ બીજો ડોઝ લીધો નથી. હવેમ્યુનિ.કોર્પોરેશન પોલીસની મદદ લેશે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં આવતા 7 ઝોન મુજબ આવતા પોલીસ સ્ટેશનમાંથી લોકોને રિમાઇન્ડર કોલ કરવામાં આવશે. પોલીસ આ લોકોને કોલ કરીને રસીનો બીજો ડોઝ લેવા માટે કહેશે.