- કોરોનાની બીજી લહેરથી થોડી રાહત
- બ્લેક ફંગસે રાજ્યોની વધારી ચિંતા
દિલ્હી : દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે કોહરામ મચાવ્યો છે. દરરોજ કોરોનાના વધતા જતા કેસોમાં ચિંતા વધી રહી છે. કોરોનાથી પ્રભાવિત દેશોમાં અમેરિકા બાદ ભારત બીજા નંબર પર આવી ચુક્યું છે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસોમાં થોડો ઘટાડો થયો છે, તેમ છતાં ખતરો હજુ પણ ઓછો થયો નથી. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,76,070 નવા કેસ નોંધાયા છે, જ્યારે 3874 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દેશ માટે રાહતની વાત છે કે, હવે કોરોનાથી સંક્રમિત દર્દીઓનો રીકવરી રેટ ઘણો વધી ગયો છે. મળતી માહિતી મુજબ છેલ્લા એક દિવસમાં 3,69,077 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. દેશમાં કોરોના મૃત્યુ દર 1.11 ટકા છે, જ્યારે રીકવરી રેટ 86% કરતા વધુ છે. હાલમાં ભારતમાં કોરોના કરતા બ્લેક ફંગસ વધુ જોખમી બની રહી છે. કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં બલેક ફંગસનો હુમલો તેમને મૃત્યુની આરે લઈ જઈ રહ્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોના મહામારીની વચ્ચે બ્લેક ફંગસે દર્દીઓની સમસ્યામાં વધારો કર્યો છે. મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસને કારણે અત્યાર સુધીમાં 90 લોકોના મોત થઇ ચુક્યા છે. તો રાજસ્થાન સરકારે કોરોના વાયરસ સંક્રમણથી સાજા થનાર દર્દીઓમાં આવી રહેલ મ્યુકર માઇકોસિસને મહામારી જાહેર કરી છે. રાજસ્થાનમાં લગભગ 100 દર્દી બ્લેક ફંગસથી પ્રભાવિત છે.
જો વાત કરવામાં આવે ઉતર પ્રદેશની તો યુપીમાં પણ બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે,યુપીમાં અત્યાર સુધીમાં 250 કેસ સામે આવી ચુક્યા છે અને 11 દર્દીઓના મોત નિપજ્યા છે. બ્લેક ફંગસથી સૌથી વધારે પ્રભાવિત રાજધાની લખનઉ છે. અહીં બ્લેક ફંગસના 73 કેસ સામે આવી ચુક્યા છે.અને 7 લોકોના મોત નિપજ્યા છે.બિહારમાં અત્યાર સુધીમાં લગભગ 110 દર્દીમાં બ્લેક ફંગસની પુષ્ટિ થઇ છે. અત્યાર સુધીમાં એક દર્દીનું મૃત્યુ થયાનું સામે આવ્યું છે.
દિલ્હીમાં બ્લેક ફંગસના 200 જેટલા કેસ નોંધાયા છે. દિલ્હી એઇમ્સમાં 61 દર્દીઓ અને 69 દર્દીઓ સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જો કે, આ પહેલા દિલ્હી એઇમ્સમાં બ્લેક ફંગસના માત્ર 12 થી 15 કેસ નોંધાયા હતા. આટલું જ નહીં, દિલ્હી એઇમ્સ અને સર ગંગારામ હોસ્પિટલ સિવાય મેક્સ અને ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલોમાં બ્લેક ફંગસના ઘણા દર્દીઓ સામે આવ્યા છે.