- નાગપુરમાં વિજ્યા દશમી અને RSSના સ્થાપના દિવસની ઉજવણી
- આરએસએસના વડા મોહન ભાગવતે શસ્ત્ર પુજા કરી
નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે નાગપુરમાં વિજ્યા દશમી ઉત્સવના પ્રસંગ્રે જણાવ્યું હતું કે, ભારતને અસ્થિર કરવાના પ્રયાસો તેજ ગતિએ કરવામાં આવી રહ્યાં છે, અને આ ભયાવહ કાવતરા અમારા સંકલ્પની પરીક્ષા લઈ રહ્યાં છે. મોહન ભાગવતએ બાંગ્લાદેશની સ્થિતિ સંદર્ભે કહ્યું હતું કે, બાંગ્લાદેશમાં એક વાત ફેલાવવામાં આવી રહી છે કે, ભારત એક ખતરો છે અને તેમને બચાવવા માટે પાકિસ્તાન સાથે હાથ મિલાવવો પડશે.
તેમણએ પડોશી દેશમાં લઘુમતી હિન્દુઓ સામે ઉભા થઈ રહેલા પડકારોને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી. સંઘ પ્રમુખએ નાગપુરમાં વિજ્યા દશમીના અવસરે શસ્ત્રની પુજા કરી હતી. તેમજ કહ્યું હતું કે, કોઈ પણ દેશ લોકોના રાષ્ટ્રીય ચરિત્રથી મહાન બને છે. તેમણે કહ્યું કે, બધાનું માનવું છે કે, છેલ્લા કેટલાક સમયથી ભારત વધુ સશક્ત બન્યું છે તથા વિશ્વમાં તેની સાખમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
તેમણે વધુમાં કહ્યું કે, સામાજીક સદભાવ અને એકતા માટે જાતિ અને ધર્મથી આગળ વધીને વ્યક્તિઓ અને પરિવારો વચ્ચે મિત્રતા હોવી જરૂરી છે. વિજ્યા દશમીના પ્રસંગ્રે સંબોધનમાં મોહન ભાગવતએ મહિલાઓ ઉપર થતા અત્યાચાર મામલે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં મહિલા તબીબ ઉપર દુષ્કર્મ અને તેની હત્યા મામલે કહ્યું હતું કે, આ ઘટનામાં કેટલાક લોકોએ આરોપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અપરાધ, રાજનીતિ અને ઝહેરીલી સંસ્કૃતિનું ગઠબંધન આપણને બર્બાદ કરી રહ્યું છે.