બોટાદઃ જિલ્લાના બરવાળા તાલુકાના ચોકડી ગામના પીઠામાંથી દેશી દારૂ લઈ જઈને દારૂ પીવાથી લઠ્ઠાંકાડ સર્જાયો હતો. જેમાં બરવાળા,રાણપુર તેમજ ધંધુકા તાલુકાના ગામોના કેટલાક શખસોએ દેશી દારૂ પીધા બાદ તબિયત લથડતા મોડીરાત સુધીમાં 18 થી વધુ લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 50 જેટલા શખ્સોને બરવાળા,ધંધુકા,બોટાદ તેમજ ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ લઠ્ઠાકાંડના બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધટના સ્થળે દોડી ગયા હતા. અને જયારે બનાવની ગંભીરતાને જોતાં ભાવનગર રેન્જ આઈજી યાદવે SITની રચના કરી તપાસનાઆદેશ આપ્યા છે.
બોટાદ જિલ્લાના લઠ્ઠાકાંડમાં 18 લોકોએ જીવ ગુમાવતા અને 50 જેટલા લોકોને હોસ્પિટલ ખસેડાતા બોટાદની સરકારી હોસ્પિટલ દર્દીઓના અને તેના સગાવ્હાલાના કારણે ઉભરાઈ હતી. એકાએક બનેલાં લઠ્ઠાકાંડના બનાવને લઈ હોસ્પિટલ તથા મૃતકોના પરિવારમાં રીતસર ક્લપાંત છવાયો હતો. આ બનાવની જાણ થતાં બોટાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બનાવની ગંભીરતાને જોતાં ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર યાદવ પણ બોટાદ દોડી આવ્યા હતા અને સોનાવાલા હોસ્પિટલ દોડી ગયા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી. જયારે તેમણે લઠ્ઠાકાંડના બનાવ અંગે હાલ તુરંત કહેવાનું ટાળ્યું હતું અને બનાવમાં લોકોના ભેદી મોત અંગે SITની રચના કરી તપાસના આદેશ આપ્યા હતા. બનાવની ગંભીરતાને લઈ સૌથી વધુ રોજીદ ગામના લોકોના મોત થયાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે. ત્યારે, આ બનાવને લઈ ગામ આખું હિબકે ચડ્યું છે. તો, બનાવને લઈ બોટાદ જિલ્લા પોલીસ વડા કરણરાજસિંહ વાઘેલા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.
રોજિદ ગામના સરપંચે દેશી દારૂના દુષણ અંગે પોલીસને રજુઆક કરી છતાં કોઈ પગલાં ન લેવાયા
બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ સર્જાયો એમાં સોથી વધુ રોજિદ ગામના શખસો મોતને ભેટ્યા છે, આ બનાવને લઈ રોજીદના ગ્રામજનોએ બોટાદ જિલ્લા પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ગામના સરપંચે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, ગામમાં થતાં દેશી દારૂના વેચાણ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ, તેને ગંભીરતાથી લેવાઈ ન હતી. જો કે, લઠ્ઠાકાંડની ઘટનાને લઈ મોડે સુધી દર્દીઓને વધુ સારવાર માટે બોટાદ ઉપરાંત ભાવનગર, અમદાવાદ પણ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. જયારે, બનાવ અંગે બોટાદ જિલ્લા પોલીસ વડા વાધેલાએ ઝેરી કેમીકલ પીવાથી લોકોના મોત થયાનો અને હાલ તપાસ શરૂ હોવાનું જણાવ્યું હતું.