દિલ્હીઃ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના આંચકા આવે છે. દરમિયાન આજે બપોરના સમયે અસમમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેથી લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. આ ભૂકંપની તીવ્રતા 4ની નોંધાઈ હતી. જો કે, ભૂકંપમાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અસમમાં બપોરના લગભગ 1.13 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ પશ્ચિમી અસમના કોકરાઝરમાં 10 કિમીની ઉંડાઈ પર નોંધાયું હતું. ઉત્તર બંગાળમાં પણ લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. ભૂકંપના આંચકા મહેસૂસ થતા જ પશ્ચિમી અસમ અને ઉત્તરી બંગાળના લોકો ગભરાઈને પોતાના ઘરની બહાર નીકળ્યા.
અધિકારીઓએ જણાવ્યુ કે હજુ સુધી કોઈના મૃત્યુ જવાની અથવા ઈજાગ્રસ્ત થવાની જાણકારી નથી. સંપત્તિને નુકસાન થવાનો પણ રિપોર્ટ નથી. ઉત્તર-પૂર્વ ભૂકંપ સંવેદનશીલ વિસ્તાર છે, જેના કારણે અહીં વારંવાર ધરતી ધ્રૂજે છે.