નડિયાદઃ ખેડા પાસેના ગોબલજ ગામની સીમમાં આવેલી પ્લાસ્ટિકના દાણાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ આગ એટલી બધી વિકરાળ હતી કે, નડિયાદ, ખેડા, બારેજા, અમદાવાદ, અસલાલી સહિત 15 ફાયર ફાઇટર્સની ટીમની મદદ લેવામાં આવી હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોતા જ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. અને પાણીનો જોરદાર છંટકાવ કરી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરાયો હતો.
ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી આ આગના બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, ખેડા તાલુકાના ગોબલજ ગામની સીમમાં ફોર્મોસા સિન્થેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીમાં આજે સોમવારે વહેલી સવારે આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, આગનો ધુમાડો પાંચ કિલોમીટર દૂરથી જોઈ શકાતો હતો. આગની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરતાં નડિયાદ , ખેડા, બારેજા અસલાલી, ધોળકા અને અમદાવાદના ફાયર ફાઇટરની ટીમ બનાવ સ્થળે દોડી આવી પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. ભીષણ આગને કાબૂ મેળવવામાં ત્રણથી ચાર કલાકનો સમય લાગ્યો હતો. હાલ આગ લાગવાનું પ્રાથમિક અનુમાન શોર્ટસર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી. નડિયાદ ફાયર બ્રિગેડ 2 વૉટર બ્રાઉઝર, ખેડા , ધોળકા , બારેજા , અસલાલી, અમદાવાદ સહિત કુલ 15 ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે આગ ઓલવવાના કામે લાગ્યા હતા. ગોબલજ ગામની સીમમાં આવેલી ફોર્મોસા સિન્થેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીમાં પ્લાસ્ટિકનો માલ વધુ હોવાથી આગને કાબુ લાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
અમદાવાદના ફાયર ઓફિસરના કહેવા મુજબ અમને સોમવારે વહેલી સવારે 5 વાગ્યે કોલ મળ્યો હતો. આ કોલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી રીફર થયેલો હતો. અમારી ટીમ તથા અન્ય ફાયર વિભાગની ટીમ આગ ઓલવવા માટે દોડી ગઈ હતી. અને લાખો લીટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આગ લાગી એ લગભગ 17 હજાર સ્ક્વેર ફીટનો વેરહાઉસનો એરીયા હતો.