સુરતઃ સુરત શહેરમાં વરસાદને લીધે મ્યુનિ.કોર્પોરેશનના પ્રિ-માન્સુન પ્લાનની નિષ્ફળતાને ઉજાગર કરી દીધી છે. વરસાદને કરણે રોડ પર ખાડાં પડી ગયા છે. ત્યારે આબરૂનું ધોવાણ અટકાવવા મ્યુનિ.ના સત્તાધીશો દ્વારા ઉતાવળે રસ્તા રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જોકે,તેમ છતાં મ્યુનિ.ની બેદરકારી ઉઘાડી પડી ગઈ છે. પાલનપુર પાટિયા નજીક નવા બનાવેલા રોડ પર મોટો ભુવો પડી ગયો હતો.જેથી સ્થાનિક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સુરત મ્યુનિ.કોર્પોરેશનના તંત્ર દ્વારા ચોમાસા અગાઉ પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે. તેમ છતાં આ કામગીરીમાં કચાશ રહી ગઈ હોય તે રીતે પાલનપુર પાટિયા નજીક આઈએન ટેકરાવાળા સ્કૂલ પાસે મુખ્ય રોડ પર ભૂવો પડી ગયો હતો. જેના કારણે સ્થાનિક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને લીધે ઠેર ઠેર રોડ તૂટી ગયાની ફરિયાદો પણ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને મળી રહી છે. મ્યુનિ.ના સત્તાધિશોએ રોડ તૂટવાનો દોષ કોન્ટ્રાક્ટરો પર ઢોળા દઈને હવે કોન્ટ્રાકટરો પોતાના ખર્ચે તૂટી ગયેલા રોડની મરામત કરી આપશે એવી હોયાધારણ પણ આપી છે. તેમજ કેટલાક વિસ્તારોમાં રોડની મરામતનું કામ પણ શરૂ કરી દીધુ છે. દરમિયાન શહેરમા રાંદેર ઝોન દ્વારા રસ્તા પર ભુવો પડયાની જાણ થતા કોઈ નક્કર કામગીરી કરવાને બદલે પડેલા ઊંડા ખાડાની આસપાસ બેરીકેટ મૂકી દેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા બેરીકેટ મૂકીને કોઈ કામગીરી કરી હોવાનો સંતોષ માનવામાં આવ્યો હોવાની લાગણી લોકો અનુભવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેર એ ભાજપનો ગઢ ગણાય છે. સામે આ વખતે આમ આદમી પાર્ટી પણ સુરત મ્યુનિ.ના ભાજપના સત્તાધિશોની પોળ ખોલી રહ્યા છે. ત્યારે મ્યુનિ.એ પણ તેના અધિકારીઓને રોડ-રસ્તાઓના મરામત પ્રત્યે વધુ ધ્યાન આપવા માટે તાકિદ કરી છે.