કર્ણાટક હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસની સામે શખ્સે ખુદનું ગળું કાપીને કર્યો આપઘાતનો પ્રયાસ!
બેંગલુરુ: કર્ણાટક હાઈકોર્ટમાં મૈસૂરના એક 51 વર્ષીય શખ્સે ચાકૂથી પોતાનું ગળું કાપવાની કોશિશ કરી. તેના પછી હાઈકોર્ટમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટના બુધવારે બપોરે લગભગ સવા વાગ્યે કોર્ટ નંબર-1માં બની હતી. કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. અંજારિયા અને ન્યાયાધીશ એચ. બી. પ્રભાકર શાસ્ત્રીની ખંડપીઠ એક મામલાની સુનાવણી કરી રહ્યા હતા.
મૈસૂરના વિજયનગરના એસ. ચિન્નમ શ્રીનિવાસ નામના શખ્સે આત્મહત્યાની આ કોશિશ કરી હતી અને તેને હોસ્પટિલમાં લઈ જવાયો હતો. જ્યાં ડોક્ટરોએ તેના ગળાનું ઓપરેશન કરીને તેને ઓબ્ઝર્વેશનમાં રાખ્યો છે.
પોલીસ સૂત્રો મુજબ, શ્રીનિવાસ નામનો આ વ્યક્તિ કોર્ટ રૂમમાં ચાલ્યો ગયો અને કોર્ટના અધિકારીઓને કેટલીક ફાઈલો સોંપી. તેણે બેંચ પર કેટલાક શબ્દો કહ્યા અને જ્યારે અધિકારી તેને કામકાજમાં અડચણ નાખવાથી રોકવાની કોશિશ કરવા લાગ્યા, તો તેણે ચાકૂ કાઢયું અને પોતાનું ગળું કાપી લીધું. ઘટનાથી હેરાન ખંડપીઠે અદાલતના કર્મચારીઓને કોર્ટરૂમની બહાર ડ્યૂટી પર રહેલી પોલીસને સૂચિત કરવા માટે જણાવ્યું. પોલીસ અંદર આવી અને શખ્સને હોસ્પિટલ લઈ ગઈ.
ડોક્ટરોએ પોલીસને શ્રીનિવાસની સ્થિતિને ટાંકીને તેનું નિવેદન લેતા રોકી હતી. આ વ્યક્તિના પત્ની ઉમાદેવીએ પોલીસને જણાવ્યું કે તેમને આશા ન હતી કે તેમના પતિ આટલું મોટું પગલું ઉઠાવશે.
તેમણે કહ્યું કે શ્રીનિવાસ એ સમયે પરેશાન હતા, જ્યારે કોર્ટે હૈદરાબાદ ખાતે એક નિર્માણ કંપની વિરુદ્ધ 2021માં મૈસૂરમાં દાખલ મામલાને ફગાવ્યો હતો, જેમાં તેના મેનેજમેનટ પર 93 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવાયો હતો. તેમણે પોલીસને કહ્યું કે જુલાઈ-2023માં એફઆઈઆર રદ્દ કરવામાં આવી.
પોલીસ સૂત્રનું કહેવું છે કે 2021ની એફઆઈઆર પ્રમાણે, બિલ્ડરોએ શ્રીનિવાસની સાથે એક સમજૂતી કરી હતી. તેમણે હૈદરાબાદમાં બનનારા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં હિસ્સેદારીનો વાયદો કર્યો હતો. જો કે શ્રીનિવાસનો દાવો હતો કે કંપનીએ પોતાનો વાયદો પૂર્ણ કર્યો નથી. તેના પછી તેમણે ફરિયાદ કરી હતી. કોર્ટે એફઆઈઆરને એ કહેતા રદ્દ કરી કે આ સિવિલ મામલો છે. ફરિયાદીને મામલાને ઉકેલવા માટે નીચલી અદાલતમાં જવાનો નિર્દેશ આપવામાં આવ્યો.