Site icon Revoi.in

ગાંધીનગરના કોબાથી એપોલો જતાં હાઈવે પર ટ્રેકટરની ટ્રોલી પાછળ કાર અથડાતા એકનું મોત

Social Share

ગાંધીનગરઃ જિલ્લામાં અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક બનાવ કોબાથી એપોલો જતાં હાઈવે પર સર્જાયો હતો. જેમાં પૂર ઝડપે આવેલી કાર ટ્રેકટરની ટ્રોલી પાછળ અથડાતા ટ્રેકટરચાલક ઉછળીને રોડ પર પટકાતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, અમદાવાદનાં દસ્ક્રોઇ તાલુકાના વિરાવતની મુવાડી ગામે રહેતા નરેશનાં 50 વર્ષીય પિતા જવાનજી આતાજી ઝાલા અજય એન્જી.ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી. નામની કંપનીમાં ટ્રેકટરના ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. હાલમાં કંપનીનું કામ ગાંધીનગર ખાતે અપોલો સર્કલ ઉપર ઓવર બ્રિજ બનાવવાનું કામ ચાલુ હોવાથી જવાનજી સાઇડ ઉપર એકલા જ રહેતા હતા. અને ટ્રેકટર ચલાવતા હતા.જ્યારે નરેશ અને તેની માતા જસીબેન વિરાવતની મુવાડી ગામમાં રહી છૂટક મજૂરી કામ કરે છે. દરમિયાન સવારના સમયે નરેશ નોકરી ઉપર હાજર હતો. એ વખતે તેના પિતાની કંપનીમાંથી ફોન આવેલો કે, કોબાથી અપોલો સર્કલ તરફ જતા રોડ ઉપર જવાનજીના ટ્રેકટરને ફોર વ્હીલ ગાડીના ચાલકે અકસ્માત કર્યો છે. અને જવાનજીને કુડાસણની ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. જેનાં પગલે નરેશ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયો હતો. જ્યાં તેના પિતાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ અકસ્માત અંગે નરેશે તેના પિતાની સાથે કામ કરતા પ્રવીણસિંહને પૂછતાં તેમણે કહેલ કે, સવારના સાડા દશેક વાગ્યાના સુમારે કંપનીનું ટ્રેકટર લઈને કોબાસર્કલથી અપોલો સર્કલ તરફ જતા હતા.તે વખતે કેનાલ ઉતરતી વખતે કારના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી ટ્રેકટરની પાછળ લગાવેલ ટ્રોલીને જોરદાર ટકકર મારી હતી. જેનાં કારણે જવાનજી ઝાલા ટ્રેકટરની ડ્રાઇવર સીટથી ઉછળીને નીચે પડી ગયા હતા. આ અકસ્માત સર્જાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આ અંગે નરેશની ફરિયાદીના આધારે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.