ભાવનગરઃ રાજ્યમાં પોલીસ કર્મચારીઓ પણ પોતાના વાહનો પર પોલીસનું લખાણ, સ્ટિકર કે લોગો લગાવી શકતા નથી. ત્યારે કેટલાક લોકો પોતાના વાહનો પર પોલીસ લખાવીને કે પ્લેટ મુકીને સમાજમાં રોફ જમાવતા હોય છે. ત્યારે પોલીસ લખેલા વાહનોના ચાલકો સામે કડક પગલાં લેવા સુચના આપવામાં આવી છે. ત્યારે ભાવનગરમાં ટ્રાફિક પોલીસની ટીમે શહેરના પ્રવેશદ્વાર સમા ટોપ થ્રી સર્કલ નજીકથી કારમાં પોલીસ લખેલી પ્લેટ સાથે પોલીસ તરીકેનો રોફ જમાવવા નીકળેલા બગોદરાના યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે કાર કબ્જે કરી યુવક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર રેન્જ આઈજીપી અશોકકુમાર યાદવ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પટેલને ફરિયાદ મળી હતી કે, ભાવનગર શહેર અને જિલ્લામાં અમુક શખસો પોલીસ વિભાગમાં નોકરી ન કરતા હોવા છતાં પોલીસ લખેલી પ્લેટ ગાડીના ડેસ્ક બોર્ડ ઉપર રાખી પોતે પોલીસમાં હોવાનો રોફ જમાવતા હોય છે. આવા તત્વો વિરૂદ્ધ કડક કામગીરી કરવા આપેલી સૂચના આપવામાં આવી હતી. ભાવનગર જિલ્લા ટ્રાફિક પોલીસ પેટ્રોલીંગમાં હતી. ત્યારે ભાવનગરના પ્રવેશદ્વાર સમા તળાજા રોડ ટોપ થ્રી સર્કલ નજીક એક વ્હાઈટ કલરની કાર નીકળી હતી. જેના ડેસ્ક બોર્ડ ઉપર પોલીસ લખેલી પ્લેટ જોવામાં આવતા પોલીસે કારને અટકાવી કારના ચાલક ધવલ અશ્વીન મકવાણા પાસે પોલીસની પ્લેટ લગાડવા બાબતે પૂછપરછ કરતાં પોતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ન હોવાનું જણાવ્યું હતું. પોલીસમાં નહોવા છતાં પોતે પોલીસમાં હોવાનો રોફ જમાવવા માટે કારના ડેસ્કબોર્ડ ઉપર પોલીસ પ્લેટ લગાવી હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે કારની કિંમત રૂ.2.50 લાખ ગણી કારને કબ્જે કરી હતી. તેમજ કાર ચાલક વિરૂદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.(FILE PHOTO)