નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભારના ઘરમાં એક શખ્સએ ધુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર આ શખ્સે સવારે કાર લઈને અજીત ડોભાલના નિવાસસ્થાનના સંકુલમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સુરક્ષા કર્મચારીઓએ સમયસૂચકતા વાપરીને અજાણ્યા શખસને ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં આ શખ્સની માનસિક સ્થિતિ સારી નહીં હોવાનું જાણવા મળે છે.
પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષા કર્મચારીઓએ પકડેલો શખ્સ કંઈ બડબડ કરતો હતો. તેમજ કહેતો હતો કે, તેના શરીરમાં કોઈએ ચીપ લગાવી છે અને તેને રિમોટથી કન્ટ્રોલ કરી રહ્યો છે. જો કે, યુવાનની તપાસમાં કોઈ ચીપ મળી આવી ના હતી. એનએસએ અજીત ડોભાલની સુરક્ષા સીઆઈએસએફ કરે છે. તેમણે ગૃહ વિભાગ દ્વારા ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા પુરી પાડી છે. પોલીસે પકડેલો શખ્સ કર્ણાટકના બેંગ્લોરનો હોવાનું જાણવા મળે છે. તેનુ નામ શાંતનુ રેડ્ડી છે તેણે નોઈડાથી લાલ રંગની કાર લઈને અજીત ડોભાલના ઘરે પહોંચ્યો હતો. કારની સાથે ઘરમાં ઘુસવાનો પ્રયાસ કરતા શાંતનુ રેડ્ડીને ઝડપી લેવામાં આવ્યો છે. યુવાન અહીં કેમ આવ્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.
ભારતના જેમ્સ બોન્ડ ગણાતા અજીત ડોભાલ પાકિસ્તાન અને ચીનની આંખોમાં ખુંચી રહ્યાંનું ચર્ચાઈ રહ્યું છે. ડોભાલ અનેક આતંકવાદી સંગઠનોના નિશાના ઉપર છે.ગયા વર્ષે ફેબ્રુઆરીએ જૈશના આતંકવાદી પાસેથી ડોભાલની ઓફિસની રેકીનો વીડિયો મળ્યો હતો. આ વીડિયો પાકિસ્તાની હેંડલરે મોકલ્યો હતો. જે બાદ ડોભાલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.