Site icon Revoi.in

સુરતમાં પ્લાયવુડના કારખાનામાં લાગેલી ભીષણ આગ બાજુમાં આવેલી લૂમ્સની ફેકટરીમાં પણ પ્રસરી

Social Share

સુરતઃ શહેરના ઉધના વિસ્તારમાં આવેલી રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલમાં એક પ્લાયવૂડના કારખાનામાં ભીષણ આગ ફાટી નિકળી હતી. અને જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરીને  પહેલા માળે આવેલા લૂમ્સના કારખાનાને પણ ઝપેટમાં લીધું હતુ. વિકરાળ આગથી ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ થતા જ 6 ફાયર સ્ટેશનની ગાડીઓ સહિત ફાયર જવાનોએ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગથી કારખાનામાં કામ કરતા લોકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે,  સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પ્લાયવૂડ બનાવવાના કારખાનામાં આગ લાગી હતી. અને જોતજોતામાં આગ ગ્રાઉન્ડ ફ્લોર પરથી પહેલા માળના કારખાના સુધી પહોંચતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્લાયવૂડ બનાવવાનું કારખાનું હોવાને કારણે આગ વધુ ઝડપથી પ્રસરી હતી. પ્લાયવૂડમાં વાપરવામાં આવતું રો-મટિરિયલ ખૂબ જ જ્વલંતશીલ હોય છે જેના કારણે આ ખૂબ ઝડપથી પ્રસરી હતી.

ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, બુધવારે  સવારે 7 વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો. ઘટનાસ્થળ ઉપર શરૂઆતમાં ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ આવી હતી. ત્યારબાદ આગ વધુ જણાતાં અન્ય છ જેટલા ફાયર સ્ટેશનને પણ જાણ કરવામાં આવી હતી. રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલમાં અલગ અલગ ફ્લોર ઉપર કામ ચાલી રહ્યું છે. જેમાં બે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પ્લાયવૂડ બનાવવાનું કામ થાય છે. ઉપર લુમ્સના કારખાના છે, અને તેની ઉપર બોબીન બનાવવાની પણ કામગીરી ચાલે છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી પહેલા માળે આગ પ્રસરી હતી અને ત્યારબાદ ઉપરના ફ્લોર તરફ ગઈ હતી. ફાયર વિભાગની ગાડીઓ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવા માટે ચારે તરફથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.