અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના કેમ્પસમાં મેડિકલ ફેસિલીટી સેન્ટરનું ઉદઘાટન કરાયુ હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ચીફ જજ સુનિતા અગ્રવાલ અને અન્ય જજીસ ઉપસ્થિતિ રહ્યા હતા. આ મેડિકલ સેન્ટરનો લાભ જજીસ, વકીલો, હાઈકોર્ટના કર્મચારીઓ તેમજ ઈમરજન્સી સંજોગોમાં હાઈકોર્ટમાં આવતા લોકો લઈ શકશે.
ગુજરાત હાઈકોર્ટના કેમ્પસમાં કાર્યરત કરાયેલા મેડિકલ ફેસિલિટી સેન્ટરમાં એલોપથી, સ્ત્રીરોગ, હાડકાનો વિભાગ, યોગા, આયુર્વેદિક વિભાગ, વિઝિટિંગ ડોક્ટર્સ, ડ્રેસિંગ રૂમ, એક્સ-રે, સોનોગ્રાફી, લેબોરેટરી, દવાઓ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલું જ નહીં અહીં એકસાથે 4 લોકોને દાખલ કરી શકાય તેવો એસી રૂમ છે. જેમાં ઓક્સિજન અને ICUની વ્યવસ્થા છે. સવારથી સાંજ સુધી ફેસિલીટી સેન્ટર ખુલ્લું રહેશે. જેમાં ડોક્ટર અને નર્સ પણ ઉપલબ્ધ રહેશે. એટલુ જ નહીં હેલ્થ માટે સાઇકલ સુવિધા પણ શરૂ કરવામાં આવી છે.
ફેસિલીટી સેન્ટરના ઉદઘાટન પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ ફેસિલીટી સેન્ટરથી જજીસ, વકીલો, હાઈકોર્ટના કર્મચારીઓ તેમજ ઈમરજન્સી સંજોગોમાં હાઈકોર્ટમાં આવતા લોકો લઈ શકશે. હાલ દિવાળીના તહેવારોમાં રાજ્યના નાના-મોટા તમામ શહેરોમાં ફરસાણ અને મીઠાંઈનું વધુ વેચાણ થતું હોય છે. ત્યારે નાગરિકોને ભેળસેળ વિનાની શુદ્ધ ખાદ્ય ચિજ-વસ્તુઓ મળી રહે તે માટે સતત ચેકિંગ હાથ ધરવા ઓથોરિટીને આદેશ આપેલા છે. દિવાળીના સમયગાળા દરમિયાન ફરસાણ સહિતના ખાદ્ય પદાર્થોની માગ વધુ હોવાથી અત્યારે મોટા પ્રમાણમાં ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે અને અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવી રહ્યો છે. આ પદાર્થોમાં સેમ્પલનું પરિણામ જલ્દી આવે તેવા પણ પ્રયત્ન કરાઈ રહ્યા છે.