દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે આ મુદ્દે બંને દેશના લશ્કરી અધિકારીઓ વચ્ચે વાટાઘાટોનો દોર ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં બંને દેશના અધિકારીઓ વચ્ચે આઠ રાઉન્ડ સૈન્ય મંત્રણા યોજાઈ છે. જો કે, હજુ સીમા વિવાદને લઈને કોઈ ચોક્કસ ઉકેલ આવ્યો નથી. દરમિયાન લશ્કરી વાટાઘાટનો 9 મો રાઉન્ડ 24 મી જાન્યુઆરીએ ભારતના મોલ્ડો ક્ષેત્ર માં યોજાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર સીમા વિવાદને લઈને બંને દેશના સંબંધો વધુ તંગ બન્યાં છે. બીજી તરફ બંને દેશ દ્વારા સરહદ ઉપર જવાનો તૈનાત કરી દેવામાં આવ્યાં છે. અત્યાર સુધી મળેલી બેઠકોમાં રોડમેપ્સ સહિતના મુદ્દા ઉપર ચર્ચા થઈ છે. જો કે, એલએસી પરના તણાવને ઘટાડવા અથવા પાછો ખેંચવા માટે બંને દેશો વચ્ચે કોઈ નક્કર રોડમેપ પર સહમતી થઈ ન હતી. અત્યાર સુધી થયેલી વાટાઘાટોમાં, બંને પક્ષો સરહદ પર તણાવ ઓછો કરવા એલએસીમાંથી પીછેહઠ કરવા સંમત થયા છે, પરંતુ તે ક્યાં પ્રકાર નું હશે તેના પર કોઈ સહમતિ થઈ નથી. હવે રાજદ્વારી અને વિશેષ પ્રતિનિધિ સ્તરે નવી વાટાઘાટો શરૂ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચીન દ્વારા અરૂણાચલ પ્રદેશમાં ભારતીય સરહદમાં ગામ વસાવ્યું હોવાનું સામે આવતા ભારતીય તંત્ર સતર્ક બન્યું છે. તેમજ સરહદ ઉપર વધારે જવાનો તૈનાત કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.