બીજા તબક્કાની ચૂંટણીના સંદર્ભે સ્ટેટેજી ઘડવા કમલમમાં અમિત શાહ સહિત નેતાઓની બેઠક મળી
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાની 93 બેઠકોની ચૂંટણીમાં મતદાન આવતી કાલે તા. 5મી ડિસેમ્બરે યોજાશે. શનિવાર સાંજે પાંચ વાગ્યાથી પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે. આજે રવિવારે ઉમેદવારો અને તેમના સમર્થકોએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. દરમિયાન આજે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણીની સ્ટેટેજી ઘડવામાં વ્યસ્ત બન્યા હતા.દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પર એક બેઠક યોજી હતી. દોઢ કલાક જેટલા લાંબા સમય સુધી બેઠકમાં ચર્ચા ચાલી હતી. ચૂંટણીમાં ભાજપની તરફેણમાં વધુને વધુ મતદાન થાય તે માટે શું કરવું તે અંગે મંથન કરવામાં આવ્યુ હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણીમાં મતદાનની આગલી રાત કતલની રાત તરીકે ઓળખાતી હોય છે. કારણ કે છેલ્લી ઘડીની સ્ટેટેજી ઘડવામાં આવતી હોય છે. ક્યા પોકેટ વિસ્તારો છે, ક્યા નબળા વિસ્તારો છે. પોકેટ ગણાતા વિસ્તારોમાં વધુને વધુ મતદાન કરાવવું, ક્યા નેતાને જવાબદારી સોંપવી, વગેરે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવતી હોય છે. ભાજપ દ્વારા કમલમમાં ઉચ્ચસ્તરિય બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપના ચાણક્ય ગણાતા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અને ભાજપના સંગઠ પ્રભારી રત્નાકર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ચૂંટણીમાં મતદાન વધે તે માટે આવશ્યક પ્રયત્નોને લઇને વ્યૂહ બનાવ્યો હોવાનું સૂત્રો કહી રહ્યા છે. ભાજપનો વિજય થશે અને પ્રથમ તબક્કાની 89 પૈકી પણ મોટી સંખ્યામાં જીત મળશે એવું ભાજપના નેતાઓ માની રહ્યા છે.
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થયું છે અને હવે સોમવારે બીજા તબક્કાનું મતદાન થવાનું છે, આ દરમિયાન ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે પ્રથમ તબક્કાના મતદાનના આધારે કહ્યું કે, અત્યારે કેટલી બેઠકો જીતાશે તેનો આંકડો આપવો ઉચિત નથી, પરંતુ અમે ત્રણ વિક્રમો બનાવીશું. આ ચૂંટણીમાં ભાજપ સૌથી વધુ બેઠકો જીતવાનો, સૌથી વધુ વોટશેર હાંસલ કરવાનો અને મોટી લીડથી જીતતા ઉમેદવારોની સૌથી વધુ સંખ્યા બનાવવાનો રેકોર્ડ અમે તોડી નાખીશું. મતદાનની ટકાવારી ઓછી રહી તે અંગે પાટીલે કહ્યું કે, ભાજપની પેજ સમિતિનું કામ ભાજપની તરફેણમાં મતદાન કરાવવાનું હતું. સમિતિઓએ કુલ મતમાં તેમણે ભાજપના ઉમેદવારોનું મતદાન વધાર્યું પડ્યાં છે.