નવી દિલ્હીઃ જમ્મુમાં સતત થઈ રહેલા આતંકી હુમલા વચ્ચે કઠુઆમાં સુરક્ષાદળોની મોટી બેઠક યોજાઈ છે. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ડીજીપી, પંજાબના ડીજીપી, બીએસએફના વિશેષ ડીજીપી સહિત ઘણા ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બેઠકમાં આતંકવાદ, સરહદ પરથી ઘૂસણખોરી અને આતંકવાદીઓને ખતમ કરવા પર ચર્ચા થયાનું ચર્ચાય રહ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં જ 10 જુલાઈએ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આતંકવાદીઓએ ફરી એકવાર ભયંકર આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો છે. સેનાના વાહન પર થયેલા આતંકી હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. આ હુમલામાં 5 અન્ય સૈનિકો પણ ઘાયલ થયા હતા.
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સોમવારે થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. જેમાં CDS જનરલ અનિલ ચૌહાણ અને આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ બેઠકમાં હાજરી આપી હતી. અહેવાલ મુજબ, સર્જિકલ સ્ટ્રાઈક જેવા ઓપરેશન માટે જમ્મુ અને કાશ્મીરમાં સેનાના ચુનંદા પેરા યુનિટને તૈનાત કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં કેટલાક પસંદગીના વિસ્તારોમાં મોટું ઓપરેશન કરવામાં આવી શકે છે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદીઓને ખતમ કરવા માટે સુરક્ષા દળોએ ડોડા જિલ્લાના ઊંચાઈવાળા જંગલ વિસ્તારને ઘેરી લીધો છે. આતંકવાદીઓ માટે સર્ચ ઓપરેશનનો વિસ્તાર વધારીને વિશેષ કમાન્ડ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાઢ જંગલમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં જોડાયેલા જવાનોની મદદ માટે ડ્રોનની પણ મદદ લેવામાં આવી છે. જ્યારે, સ્નિફર ડોગ્સ ઉપરાંત, સૈનિકોને હેલિકોપ્ટર અને UAV સર્વેલન્સ દ્વારા સહાય આપવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ વિદેશી આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી બાદ સર્ચ અને કોર્ડન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.