ગુજરાત વિધાનસભાના સત્ર પહેલા કામકાજ સમિતિની બેઠક મળી, સીએમ અને વિપક્ષી નેતા હાજર રહ્યા
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર આગામી તા. 27મી સપ્ટેમ્બરથી યોજાશે. ત્યારે વિધાનસભાના આ સત્ર પહેલા કામકાજ સમિતિની બેઠક ગાંધીનગર ખાતે મળી હતી. આ બેઠક ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ દુષ્યંત પટેલના અધ્યક્ષસ્થાને યોજાવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી ભાગ લીધો હતો. બેઠકમાં આગામી 27 અને 28 સપ્ટેમ્બરે મળનારા ગુજરાત વિધાનસભાના સત્રના કામકાજને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાના સત્રના પ્રથમ દિવસ 18 જેટલી શોકાંજલિ રજૂ કરવામાં આવશે અને બે દિવસના સત્ર દરમિયાન ચાર સરકારી વિધેયક ગૃહમાં પસાર કરવામાં આવશે. બે દિવસના આ સત્રમાં રાજ્યમાં અતિવૃષ્ટિ સામે વળતર, કોરોના મૃતકોના પરિજનોને રાજ્ય તરફથી સહાય કે વળતર, શિક્ષણ જગતને લગતા પ્રશ્નો, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, બેરોજગારી, સરકારી નોકરીની ભરતી સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે. તો આ સત્રમાં નવી સરકારને ઘેરવા વિપક્ષ કોંગ્રસે રણનીતિ ઘડી કાઢી છે. સાથે ભાજપે પણ તૈયારીઓ કરી છે. નવા મંત્રીઓને તેમના વિભાગોની પુરતી જાણકારી આપવામાં આવી છે. વિધાનસભામાં કોંગ્રેસના આક્રોશને ઠારવા ભાજપના પૂર્વ સિનિયર મંત્રીઓને સાથે રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિધાનસભામાં ચોમાસુ સત્રનો પ્રથમ દિવસ તો શોકાંજલિ આપવામાં જ પસાર થઈ જશે પણ બીજા દિવસે તારાંકિત પ્રશ્નોતરી સહિત ચાર જેટલા બીલ પણ મેજ પર મુકવામાં આવશે. અને તેની ચર્ચામાં કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરવાની તક ઝડપી લેશે. અને સભ્યોની ચર્ચાનો જવાબ મંત્રીઓએ આપવો પડશે.એટલે કેવી રીતે જવાબ આપવા તેની સમજ મંત્રીઓને આપવામાં આવી રહી છે.