ગાંધીનગરઃ રાજ્યમાં અધ્યાપકોના પડતર પ્રશ્નો અંગે ઘણા સમયથી રજુઆતો કરવામાં આવતી હતી. સરકાર દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવતા હતા. પણ પ્રશ્નો ઉકેલાતા નહતા. તાજેતરમાં ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ અને અન્ય મંડળોની શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, કુબેર ડીંડોર અને નાણામંત્રી કનુ દેસાઈની હાજરીમાં એક સંપૂર્ણ મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં બેઠકમાં તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. બેઠક ફળદાયી રહી હતી. અને સરકારનો અભિગમ પણ હકારાત્મક રહ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અને નાણા વિભાગના સચિવ તથા ઉચ્ચ અધિકારી પણ હાજર રહ્યા હતા. બેઠકમાં CAS (કેરિયર એડવાન્સ સ્કીમ હેઠળ પ્રમોશન), હિન્દી અને ત્રિપલ સી પ્લસ પરીક્ષા, ખંડ સમયના અધ્યાપકો અને અધ્યાપક સહાયકોના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ પ્રશ્નોમાં સરકારનો હાકારાત્મક અભિગમ રહ્યો હતો. આવનારા દિવસોમાં ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ અધ્યાપકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ જેમ બને તેમ જલ્દી આવે તે માટે સરકારે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અધ્યાપક મંડળના પડતર પ્રશ્નોને લઈને અનેક રજૂઆત છતાં નિવારણ ના આવતા અધ્યપકો દ્વારા 13 ફેબ્રુઆરીની મુદત આપવામાં આવી હતી. મુદત સુધી પ્રશ્નોનું નિવારણ ના આવે તો શૈક્ષણિક કાર્ય દરમિયાન 14 તારીખથી ગ્રીન પટ્ટી બાંધવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે સરકાર તરફથી હકારાત્મક અભિગમ મળતા હવે અધ્યાપકો દ્વારા આ પ્રકારે વિરોધ કરવામાં નહીં આવે.