અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે વર્લ્ડબેંકની ટીમ અને ગુજરાતની મુલાકાતે આવેલા 13 થી વધુ દેશોના શિક્ષણમંત્રીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓની ગાંધીનગર ખાતે મુલાકાત બેઠક યોજાઇ હતી. આ મુલાકાત બેઠક ના અનુભવને તેમણે ખૂબ હર્ષપૂર્ણ અનુભવ કહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરુ થયેલી ગુજરાતની છેલ્લા બે દાયકાની એજ્યુકેશન ટ્રાન્સફોર્મેશન જર્ની તેમજ ગુજરાતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘મિશન સ્કુલ્સ ઓફ એક્સેલેન્સ’ અને ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ અંગેની તલસ્પર્શી માહિતી આ પ્રતિનિધિમંડળને બેઠક દરમ્યાન તેમણે આપી હતી.
વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં એક જ સ્થળેથી રાજ્યભરની હજારો સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી, સ્કુલ એડમિનિસ્ટ્રેશન, ગુણોત્સવ સહિતના વિવિધ પાસાઓ અને ડેટાનું રીઅલ ટાઈમ મોનિટરીંગ કરવામાં આવે છે. જે થકી વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોને ઘણો લાભ મળી રહ્યો છે, તેમજ રાજ્યની શૈક્ષણિક પ્રવૃત્તિઓ વધુ ગુણવત્તાસભર બની છે.
તે અંગેની સફળતાથી આ પ્રતિનિધિમંડળે પ્રભાવિત થઈને વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું મોડલ તેમના દેશમાં વિકસાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર જરૂર જણાયે રાજ્ય સરકારના જરૂરી સહયોગ માટેની તત્પરતા દર્શાવી હતી. આ મુલાકાત બેઠકમાં શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોર, રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, શિક્ષણ સચિવ વિનોદ રાવ અને વરિષ્ઠ અધિકારી ઉપસ્થિત રહ્યાં હતા.