પાલનપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. 23 થી 29 સપ્ટેમ્બર-2023 દરમિયાન યોજાશે. આ મહામેળાને દોઢેક મહિનો બાકી રહ્યો છે. ત્યારે તેના સુચારૂ આયોજન અને વ્યવસ્થા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યારથી જ વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પાલનપુર ખાતે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનાવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટરએ વિવિધ સમિતિના અધિકારીઓ સાથે કામગીરી અંગે વિસ્તૃત અને ઝીંણવટભરી ચર્ચા કરી હતી. અંબાજી ભાદરવી પૂનમના મેળાની વ્યવસ્થા જાળવવા માટે કલેક્ટર દ્વારા સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા સહિત જુદી જુદી 28 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે.
બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર વરૂણકુમારે જણાવ્યું કે, અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે અંબાજી ટ્રસ્ટ તેમજ વહિવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓએ સેવાભાવના સાથે કાળજીપૂર્વક કામગીરી કરવાની છે. મેળા દરમિયાન સતત સુંદર સ્વચ્છતા જળવાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા સમિતિ તથા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને સલામતિ, કાયદો અને વ્યવસ્થા સમિતિની રચના કરવામાં આવી છે.
અંબાજીમાં ભાદરવી પૂનમના લોક મેળામાં આવતા ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આરોગ્યની જાળવણી માટે આરોગ્ય સમિતિ, આકસ્મિક સારવાર માટે ઇમરજન્સી સારવાર સમિતિ, અંબાજી તરફના રસ્તાઓની મરામત માટે રસ્તા મરામત સમિતિ, મેળા દરમિયાન પાણીની સુવિધા પુરી પાડવા પાણી પુરવઠા સમિતિ, સતત વીજ પુરવઠો જાળવવા વિદ્યુત પ્રવાહ સમિતિ, દૂધ વિતરણ વ્યવસ્થા માટે દૂધ અને ખાદ્ય સામગ્રી વિતરણ તથા ચકાસણી સમિતિ, વાહન વ્યવહારને લગતા જાહેરનામાઓના અમલ માટે અંબાજી તરફના પ્રવેશમાર્ગો પરના નિયંત્રણ અને પાર્કિગ સમિતિ, હોટલ અને ગેસ્ટ હાઉસ, ધર્મશાળા તપાસણી, પ્રવાસી વ્યવસ્થાપન અને યાત્રાળુઓ આવાસ સમિતિ, ગબ્બર ઉપર સંચાલન સમિતિ, 51 શક્તિપીઠ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો સમિતિ, રખડતાં ઢોરોનું નિયંત્રણ, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ, વી.આઇ.પી. પ્રોટોકોલ અને લાયઝન સમિતિ, ભોજન વ્યવસ્થા સમિતિ, પ્રસાદ વ્યવસ્થા સમિતિ, ભંડારા ગણતરી સમિતિ, ઇમરજન્સી રીસ્પોન્સ સમિતિ, વાહનોની ચકાસણી તથા પાસ આપવાની કામગીરી દાંતા મુકામે, વાહનોની ચકાસણી તથા પાસ આપવાની કામગીરી અંબાજી મુકામે, વાહનોની ચકાસણી તથા પાસ આપવાની કામગીરી જીએમડીસી ત્રણ રસ્તા અંબાજી મુકામે, મેળામાં વિખુટા પડેલ તેમજ ગુમ થયેલ બાળકો માટે હેલ્પ સેન્ટર અંગેની કામગીરી, અંબાજી ગ્રામ પંચાયત વ્યવસ્થા સંકલન સમિતિ, શાળાઓમાં રહેઠાણ સમિતિ, બેઝ કેમ્પ સમિતિ, પ્રચાર-પ્રસાર સમિતિ અને અંબાજી મંદિર વ્યવસ્થાપન સમિતિનો સમાવેશ થાય છે. આ સમિતઓએ કરવાની કામગીરી અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.