શાળ સંચાલકો અને અધ્યાપકોની પડતર પ્રશ્નોના ઉકેલ માટે શિક્ષણ મંત્રી અને નાણા મંત્રી સાથે બેઠક યોજાઈ
ગાંધીનગરઃ રાજ્યના કોલેજોના અધ્યાપકો અને ગ્રાન્ટેડ શાળાના સંચાલકોના વણઉકેલ્યા પ્રશ્નો માટે લડતના મંડાણ કર્યા બાદ આખરે સરકારે બન્નેના પ્રતિનિધિ મંડળોને બોલાવીને ચર્ચા કરી હતી. છેલ્લા કેટલાક સમયથી કોલેજોના અધ્યાપકો અને શાળા સંચાલકો પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકાર પાસે માંગણી કરીને વિરોધ કરી રહ્યા હતા. ત્યારે સરકાર તરફથી પ્રશ્નોના નિવારણ માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે સરકાર તરફથી શિક્ષણમંત્રી અને નાણાં મંત્રીએ કોલેજના અધ્યાપકો વતી અધ્યાપક મંડળ તથા સંચાલક વતી સંચાલક મંડળ સાથે બેઠક યોજી હતી.
સૂત્રોના જણવ્યા મુજબ સ્કૂલ સંચલકોમાં ગ્રાન્ટેડ સ્કૂલોના સંચાલકોની કેટલાક સમયથી ગ્રાન્ટને લઈને માંગણી હતી. જેમાં પરિણામ આધારે જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેના કારણે સ્કૂલોને નુકસાન ભોગવવું પડે છે. બીજી તરફ નાપાસ થનારા વિદ્યાર્થી દીઠ ગ્રાન્ટ કાપી લેવામાં આવે છે અને દંડ પણ કરવામાં આવે છે. જેથી તે ના કરવામાં આવે તે માટે રજુઆત કરવામાં આવી હતી જેને લઈને સ્કૂલ સંચાલક મંડળને સમય આપીને શિક્ષણમંત્રી અને નાણાં મંત્રીએ બેઠક કરીને ચર્ચા કરી હતી.
આ ઉપરાંત કોલેજના અધ્યાપકોના પણ કેટલાક પડતર પ્રશ્નો વણ ઉકેલ્યા છે હિન્દી તથા ટ્રિપલ સી પલ્સ UGCની જોગવાઈ વિરુદ્ધમાં હોવાથી અને પાછલી અસરથી લાગુ કરવામાં આવી હોવાથી તે રદ કરવા, કેરિયર એડવાન્સ સ્કીમ હેઠળ અટકેલા પ્રમોશન આપવા, ખંડ સમયના અધ્યાપકોને ફૂલ પગારમાં સમાવવા, ફાજલનું રક્ષણ કરવા સહિતના પ્રશ્નો હતા. જેને લઈને રજુઆત કરી હતી. ત્યારે આ પ્રશ્નો અંગે ચર્ચા કરવા અધ્યાપક મંડળ સાથે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને નાણા મંત્રી કનુ દેસાઈએ બેઠક કરી હતી. બંને બેઠકમાં હકારાત્મક અભિગમ આપીને તે બાબતે નિર્ણય કરવા જણાવ્યું હતું.