Site icon Revoi.in

રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં અપુરતા વિદ્યાર્થીઓ હશે એવી શાળાઓને મર્જ કરવા 28મી જુને મીટિંગ મળશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા બાદ હવે શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન  શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. બીજીબાજુ જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પુરતી ન હોય તેવી પ્રાથમિક શાળાઓ મર્જ કરવા માટેની ફરી એકવાર તૈયારીઓ શરૂ થઈ હોવાનું જાણવા મળે છે. આગામી 28 જૂનના રોજ પ્રાથમિક વિભાગના સચિવની અધ્યક્ષતામાં મળનારી મીટિંગમાં આ મુદ્દે ડેટા સાથે હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ધોરણ-1થી 5માં 60 કરતા ઓછા વિદ્યાર્થીઓ હોય તેમ જ ધોરણ-6થી 8માં 45 કરતા ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓની યાદી તૈયાર કરી ભવિષ્યમાં આ સ્કૂલોને મર્જ કરવાની થાય તે માટે સ્કૂલોની રૂબરૂ મુલાકાત લઇ પ્રેઝન્ટેશન કરવા માટે જણાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યમાં આવેલી પ્રાથમિક શાળાઓને મર્જ કરવાના મુદ્દે છેલ્લા લાંબા સમયથી સરકાર અને વિપક્ષ વચ્ચે બબાલ ચાલે છે. આ શાળાઓ મર્જ કરવા સામે વિપક્ષ દ્વારા ઊહાપોહ મચાવવામાં આવી રહ્યો છે, ત્યારે સરકાર શાળાઓને મર્જ કરી પોતાનો ખર્ચ બચાવવા માંગે છે. સરકાર દ્વારા અગાઉ ઘણી સ્કૂલોને મર્જ કરવામાં આવી છે. જોકે ફરી એકવાર શાળાના મર્જનો મુદ્દો ઊઠ્યો છે. પ્રાથમિક વિભાગના શિક્ષણ સચિવની અધ્યક્ષતામાં 28 જૂનના રોજ એક મીટિંગ બોલાવવામાં આવી છે. જેના એજન્ડામાં ભવિષ્યમાં શાળાઓ મર્જ કરવાની થાય તે માટેની કાર્યવાહીનો મુદ્દો પણ એજન્ડામાં સમાવાયો છે. 28 જૂનના રોજ મળનારી મીટિંગમાં ભવિષ્યમાં શાળા મર્જ કરવાની થાય તે માટેનો ડેટા તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. જેમાં ધોરણ-1થી 5માં 60 કરતા ઓછા વિદ્યાર્થી ધરાવતી શાળાઓની યાદી તૈયાર કરી નજીકમાં એક કિલોમીટરના વિસ્તારમાં અન્ય શાળા આવેલી હોય તો સ્કૂલમાં ભવિષ્યમાં મર્જ કરવા માટેની કામગીરી કરવાની હોય વિગતો એકત્ર કરવા જણાવાયુ છે. આ ઉપરાંત ધોરણ-6થી 8માં 45 કરતા ઓછી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાઓની યાદી તૈયાર કરી નજીકમાં ત્રણ કિલોમીટરના વિસ્તારમાં અન્ય શાળા આવેલી હોય તો આવી શાળાઓને પણ યાદી તૈયાર કરવા માટે જણાવાયું છે. આ શાળાઓની રૂબરૂ મુલાકાત લઇ તમામ વિગતો એકત્ર કરી તે અંગેનું પ્રેઝેન્ટેશન 28 જૂનના રોજ મળનારી મીટીંગમાં રજૂ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં શાળાઓ મર્જ કરવા માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ ભવિષ્યમાં જો શાળાઓ મર્જ કરવાની થાય તો તે અંગેનો ડેટા અગાઉથી જ ઉપલબ્ધ હોવાથી કામગીરીમાં સરળતા રહે તે માટે અત્યારથી તમામ વિગતો એકત્ર કરી ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો હોવાની વિગતો સામે આવી છે.