ચોમાસામાં સંભવિત પૂર કે હોનારત જેથી સ્થિતિ સામે એક્શન પ્લાનની સમીક્ષા માટે આજે બેઠક મળશે
ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રિ-માન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અને 15મી જુન આસપાસ મેઘરાજાની વાજતે-ગાજતે પધરામણી થાય તેવી શક્યતા છે. તમામ જિલ્લાઓમાં કલેક્ટર દ્વારા ચોમાસા દરમિયાન સંભવિત પૂર કે આફતની સ્થિતિને પહોંચી વળવા તેમજ શહેરી વિસ્તારોમાં વરસાદના ભરાતા પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકાર પણ પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન મામલે ગંભીર બની ગઈ છે, જે સંદર્ભે આજે ગુરૂવારે મુખસચિવની અધ્યક્ષતામાં બપોરે 12 વાગ્યે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન માટેની મહત્વની બેઠક મળશે. જેમાં દરેક જિલ્લા દીઠ સમીક્ષા કરવામાં આવશે. આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન જાહેર કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં ગુરૂવારે બપોરે 12 વાગ્યે મળનારી બેઠકમાં રાજ્યના દરેક તાલુકા, જિલ્લા અને ગામડાઓમાં ચોમાસા પહેલાની સફાઈ, ગંદા પાણીના નિકાલ માટેના નાળા તેમજ નદી-નાળાનો કચરો કાઢવાના કામગીરી અંગે વિશેષ સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત પ્રત્યેક જિલ્લાના તૈયાર કરેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની મુખ્ય સચિવ દ્વારા સમીક્ષા કરવામાં આવશે. અને જે જિલ્લા દ્વારા ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો નથી તેમને જરૂરી માર્ગદર્શન સાથે સૂચના આપવામાં આવશે.
આ ઉપરાંત વધુ વરસાદ પડે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોનું સ્થળાંતર કરવાનું થાય તો તે માટે સલામત સ્થળોની તૈયાર કરેલી યાદી અન્વયે મુખ્ય સચિવ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત બચાવ-રાહતની કામગીરી માટે એસડીઆરએફ, એનડીઆરએફ, કોસ્ટ ગાર્ડ અને સેના સાથે સંકલન જાળવવા માટેના માર્ગદર્શન સાથે જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી તમામ તૈયારીઓની વિશેષ સમીક્ષા હાથ ધરવામાં આવશે. આજે મળનારી આ બેઠકમાં રાહત કમિશનર, ઉપરાંત મહેસુલ વિભાગ, હવામાન વિભાગના, આરોગ્ય વિભાગ, ગૃહ વિભાગ, પંચાયત અને રોડ બિલ્ડીંગ વિભાગ એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ અને કોસ્ટ ગાર્ડ સહિત નેવી અને સેનાના ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહેશે.