શીર્ષ સૈન્ય કમાન્ડર યોજશે બેઠક, LACના સુરક્ષા પડકારો પર કરશે વિચારણા
- આજથી દિલ્હીમાં ચાર દિવસીય સમ્મેલન
- શીર્ષ સૈન્ય કમાન્ડર યોજશે બેઠક
- LACના સુરક્ષા પડકારો પર કરશે વિચારણા
દિલ્હી:સોમવારથી શરૂ થનારા લશ્કરના ઉચ્ચ અધિકારીઓની કમાન્ડર્સ કોન્ફરન્સ પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા સહિત દેશભરમાં સુરક્ષા પડકારો પર વિચારમંથન કરશે.
કમાન્ડર સમ્મેલન 25 થી 28 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં યોજાશે. સેનાના નિષ્ણાતોનું કહેવું છે કે,ટોચના લશ્કરી અધિકારીઓ છેલ્લા કેટલાક સપ્તાહમાં આ બેઠક દરમિયાન જમ્મુ -કાશ્મીરમાં નાગરિકોની હત્યા અંગે પણ ચર્ચા કરશે.
તેમણે કહ્યું કે,ચાર દિવસીય કોન્ફરન્સ દરમિયાન આર્મી ચીફ જનરલ એમએમ નરવણે સહિત ટોચના સૈન્ય અધિકારીઓ પૂર્વી લદ્દાખમાં દેશની યુદ્ધ તૈયારીઓની સમીક્ષા કરશે, જ્યાં છેલ્લા 17 મહિનાથી ચીન સાથે સરહદ વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશોની સેનાઓ તે વિસ્તારોમાં ઘણી જગ્યાઓથી ખસી ગઈ છે.
કમાન્ડર સમ્મેલન લશ્કરી અધિકારીઓની ઉચ્ચ સ્તરીય અર્ધ-વાર્ષિક બેઠક છે જે દર વર્ષે એપ્રિલ અને ઓક્ટોબરમાં થાય છે. સમ્મેલન દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ લશ્કરી કમાન્ડરોને સંબોધિત કરશે. જેમાં સીડીએસ, નેવી અને એરફોર્સના ચીફ ભારતીય સેનાના ટોચના નેતૃત્વને પણ સંબોધિત કરશે.