Site icon Revoi.in

અમદાવાદમાં મેગા રેલવે સ્ટેશન બનાવાશે, અન્ય 16 રેલવે સ્ટેશનો પણ વિકસાવાશે

Social Share

અમદાવાદઃ ગાંધીનગરમાં અદ્યતન રેલવે સ્ટેશનનું નિર્માણ માત્ર શરૂઆત છે. આગામી સમયમાં ગુજરાતના 17 રેલવે સ્ટેશનને વિકસાવવાનું આયોજન છે. જે પૈકી માત્ર અમદાવાદમાં મેગા રેલવે સ્ટેશન બનાવવા માટે રૂ.3800 કરોડના ખર્ચનો અંદાજ છે. જે સ્ટેશનોનું રી ડેવલપમેન્ટ કરવાની યોજના છે. તેમાં સુરત, અમદાવાદ, વડોદરા, નવસારી, રાજકોટ, વાપી, ભરૂચ, બિલિમોરા, આણંદ, નડિયાદ, અંકલેશ્વર, ઉધના-સુરત, ગાંધીધામ, પાલનપુર, જામનગર અને ન્યૂ ભૂજ નો સમાવેશ થાય છે. આ તમામ શહેરોમાં અદ્યતન સ્ટેશનનું નિર્માણ થશે. તેમ કેન્દ્રીય રેલવે મંત્રીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશભરના 360 રેલવે સ્ટેશનોનું વર્લ્ડ ક્લાસ રિડેવલપમેન્ટ કરાશે. પ્રાયોગિક તબક્કે ગાંધીનગર, ભોપાલ અને બેંગલોર રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ તેના અનુભવને આધારે દેશના અન્ય રેલવે સ્ટેશન વિકસાવાશે.

ગુજરાતમાં કુલ 17 રેલવે સ્ટેશન વિકસાવવાનું આયોજન છે. તેમજ 2027 સુધીમાં વાપીથી અમદાવાદ સુધી બૂલેટ ટ્રેન દોડતી કરવાનું લક્ષ્ય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2019ના વર્ષમાં રેલવે દ્વારા વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી હતી.

હવે સરકારે વંદે ભારત 2ની તૈયારીઓ હાથ ધરી છે. જેમાં 180 કિમીની ઝડપે ટ્રેન દોડાવવાનું આયોજન છે. મુસાફરોને આધુનિક સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. તેમજ બુલેટ ટ્રેનની કામગીરી તેજીથી ચાલી રહી છે.

(Photo-File)