Site icon Revoi.in

અમદાવાદમાં રોડ ક્રોસ કરી રહેલા આધેડને AMTS બસે અડફેટમાં લેતા સારવાર દરમિયાન મોત

Social Share

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે, જેમાં વધુ એક અકસ્માતે એક વ્યક્તિનો ભોગ લીધો હતો. શહેરના નરોડા વિસ્તારમાં મુક્તિધામ પાસે એક આધેડ વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે પૂરફાટ ઝડપે આવેલી એએમટીએસની બસે અડફેટે લેતા જગદિશભાઈ રોહિત નામના આધેડને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નરોડામાં AMTS બસના ડ્રાઇવરે એક રાહદારી આધેડને ટક્કર મારતાં આધેડનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાને લઈને જી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. નરોડના મુક્તિધામ પાસેથી રોડ ક્રોસ કરી રહેલા આધેડ જગદીશભાઈ રોહિતને પુરપાટ ઝડપે આવતી AMTS બસના ડ્રાઈવરે ટક્કર મારી હતી. જગદીશભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતાં અને તેમના બે દીકરાઓ એક જ કંપનીમાં નોકરી કરે છે. તેમના મોટા દીકરા કુલદીપને તેના મિત્રનો ફોન આવ્યો હતો કે, તારા પિતાનો મુક્તિધામ પાસે અકસ્માત થયો છે અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે. જેથી બંને ભાઈઓ ખાનગી હોસ્પિટલ ગયા હતાં.

અકસ્માતનો ભોગ બનેલા પિતાના પૂત્ર કુલદીપ  હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ત્યાં બસનો કંડક્ટર વિપુલ ડિંડોડ હાજર હતો. જેને અકસ્માત અંગે કૂલદીપે પુછતાં તેણે જણાવ્યું હતું કે, મુક્તિધામ પાસે બસના ડ્રાઈવરે ટક્કર મારી હતી અને તરત હું બસની નીચે ઉતરી ગયો હતો. અકસ્માત બાદ ડ્રાઈવર ત્યાંથી બસ લઈને રવાના થઈ ગયો હતો. જેથી હું તમારા પિતાને હોસ્પિટલમાં લઈને આવ્યો છું. ખાનગી હોસ્પિટલમાં ન્યુરોસર્જનની સુવિધા નહીં હોવાથી જગદીશભાઈને બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. આ ઘટનાને લઈને મૃતક જગદીશભાઈના દીકરા કુલદીપે જી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ( File photo)