Site icon Revoi.in

સુરતમાં નકલી નોટો છાપવાનું મીની કારખાનું પકડાયું

Social Share

સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં નકલી ચલણી નોટો છાપવાનું મીની કારખાનું એસઓજી પોલીસે પકડી પાડ્યુ છે. અને 1 લાખની ફેક કરન્સી, કોમ્પ્યુટર, પ્રિન્ટર, મોબાઇલ વગેરે મળી 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો. આરોપીઓએ છેલ્લા એક મહિનાથી કોમ્પ્યુટર અને કલર પ્રિન્ટર દ્વારા નકલી નોટો ઠાપવાનું શરૂ કર્યું હતુ. આરોપીઓ એના મળતિયાઓને એક અસલી રૂપિયા 100ની નોટના બદલામાં રૂપિયા 100ની ત્રણ નકલી નોટ્સ આપતા હતા.

સુરત શહેરમાં નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. સુરત શહેર એસ.ઓ.જી પોલીસને શહેરના સરથાણાના યોગી ચોક વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં કાપડ ઓનલાઇન વેચાણની ઓફિસમાં નકલી નોટ બનાવવામાં આવતી હોવાની બાતમી મળી હતી. એસઓજી પોલીસે રેડ પાડીને ઓનલાઇન કાપડ વેચાણની ઓફિસમાંથી રાહુલ, ભાવેશ અને પવનને પકડી પાડ્યા હતા. ભાવેશ નકલી નોટ છાપતો હતો તો પવન અને રાહુલ નોટોની ડિલિવરી લેવા આવ્યા હતા. એસઓજીએ સ્થળ પરથી એક લાખની ફેક કરન્સી, કોમ્પ્યુટર, પ્રિન્ટર, મોબાઇલ વગેરે મળી 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો. આરોપીઓએ પૂછતાછમાં કહ્યું હતું કે, પોતે એક મહિનાથી નકલી નોટો છાપતા હતા. અને એક અસલી નોટ સામે 3 નકલી નોટ આપતા હતા. જેમ કે રૂપિયા 100ની એક નોટ અપાય તો સામે 100ની 3 નકલી નોટ અપાતી હતી. પાનના ગલ્લા, શાકભાજી, ફુટ જેવા છૂટક માર્કેટમાં નોટ પધરાવવાની ફિરાકમાં હતા.

SOG પોલીસના સૂત્રોના કહેવા મુજબ આરોપીઓ દ્વારા કોમ્પ્યુટર અને કલર પ્રિન્ટના માધ્યમથી નકલી ચલણી નોટ બનાવવામાં આવતી હતી. નોટનો કાગળ પણ એક દમ અસલી ચલણી નોટ જેવો જ છે. જેથી કાગળ પણ ક્યાંથી લાવતા હતા કે કોણ આપતું હતું તેને લઈને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ત્રણેય ઈસમો દ્વારા માત્ર 100 રૂપિયાની નકલી નોટો બનાવવામાં આવી રહી હતી.એસઓજી પોલીસ દ્વારા હાલ તો આ ત્રણેય ઈસમોની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. નકલી ચલણી નોટ છાપવાનું ક્યાંથી શીખ્યા, નકલી ચલણી નોટ ક્યારથી છાપી રહ્યા હતા, અત્યાર સુધીમાં કેટલી નકલી ચલણી નોટ છાપી છે, આ નકલી ચલણી નોટો ક્યાં વટાવવામાં આવી છે? જેવા સવાલો આ ત્રણે આરોપીઓને કરવામાં આવી રહ્યા છે.