Site icon Revoi.in

અંતરિયાળ વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે માટે મોબાઇલ હેલ્થ યુનિટ શરૂ કરાશે

Social Share

અમદાવાદઃ સિવિલ મેડિસીટીની તર્જ પર રાજ્યના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેડિસીટી કાર્યરત કરવાની દિશામાં આ વર્ષના અંદાજપત્રમાં સુરત સિવિલ હોસ્પિટલમાં નવા ઓપીડી બિલ્ડીંગ તેમજ હયાત સુવિધાઓનાં વિસ્તૃતિકરણ માટે 23 કરોડની કરેલી જોગવાઇ અને દર્દીઓને હૃદય રોગ સંબંધિત બીમારીઓની સારવાર અર્થે અનસુયા ગ્રાઉન્ડ, વડોદરા ખાતે અત્યાધુનિક કાર્ડીએક કૅથ લેબ અને હોસ્પિટલની સ્થાપના કરવા માટે 23 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરાશે. શહેરી ક્ષેત્રોમાં આરોગ્ય સેવાઓ વધારે સુદૃઢ કરવા નવીન સી.એચ.સી. અને પી.એચ.સી. શરૂ કરીને આરોગ્ય કર્મીઓની 1238 નવી જગ્યાઓ ઊભી કરવામાં 16 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

અમદાવાદના સીંગરવા  અને ડીસા ની પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલોને અપગ્રેડ કરી 36 કરોડના ખર્ચે જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવીને દર્દીઓને નજીકના અંતરે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તદઉપરાંત વાપીમાં 100 બેડની નવી સબ-ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને ઊંઝા સબ-ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલને અપગ્રેડ કરી 100 બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે. વર્ષ 2022-23ના અંદાજપત્રમાં  આરોગ્ય સંસ્થાઓ ખાતે 2 કરોડ ના ખર્ચે ટેલી- રેડીયોલોજી, ટેલી-આઇ.સી.યુ., ટેલી-મેડિસીન અને ટેલી-મેન્ટલ હેલ્થની સેવાઓનો નવતર અભિગમ રાજ્યમાં મેડિકલ સેવાઓના નવાયુગનો પ્રારંભ કરશે.

વયોવૃધ્ધ નાગરિકોને પણ ઘરે બેઠા આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા નવતર અભિગમ દાખવીને 5 કરોડના ખર્ચે ઘરે બેટા લેબોરેટરી ટેસ્ટ સેમ્પલ કલેક્શનની સુવિધા કાર્યરત કરવામાં આવશે. દુર્ગમ વિસ્તારોમાં મોટર સાયકલ આધારિત 50 મોબાઇલ હેલ્થ યુનિટ શરૂ કરવા કરેલી 2 કરોડની જોગવાઇ આરોગ્ય સેવાઓને રાજ્યના અંતિમ માનવી સુધી વધુ સુગમતાથી પહોંચાડાશે.

રાજ્યના 80 લાખ કરતા વધુ કુટુંબોને PMJAY-MA યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ આપી 5 લાખનું આરોગ્ય કવચ પુરૂ પાડવા 1556 કરોડની જોગવાઇ કરાઈ છે. કિશોરીઓમાં આયર્ન તત્ત્વની ઊણપના કારણે એનીમીયાનું પ્રમાણ જોવા મળે છે. આવનાર સમયમાં માતૃત્વ ધારણ કરનાર આ કિશોરીઓમાં હિમોગ્લોબીનનું મોનીટરીંગ કરવા તેમજ આયર્ન તત્ત્વની ઊણપ દૂર કરવા તેમને આયર્ન સુક્રોઝના ઇન્જેનકશન આપવાની યોજનામાં સમાવેશ કરવા માટે 5 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરાશે.