Site icon Revoi.in

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે, છતાં મ્યુનિનું આરોગ્ય વિભાગ નિષ્ક્રિય

Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાંયા વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તેના લીધે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં વધારો થયો છે. ત્યારે રોગચાળાને ડામવા માટે આગોતરા પગલાં લેવા માટે મળેલી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની હેલ્થ કમિટી બેઠકમાં આરોગ્ય વિભાગના ડીવાયએમસી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડીવાયએમસી તેમજ એક આરોગ્ય ઓફિસર જ હાજર રહ્યા ન હતાં.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે, ત્યારે તેની ચર્ચા કરવા કે આગોતરૂ આયોજન કરવામાં મ્યુનિની હેલ્થ કમિટીને કોઈ રસ ન હોય એવું લાગી રહ્યું છે. હેલ્થ કમિટીના ચેરમેને બુધવારની બેઠકમાં ટેન્ડર અંગેના કામો સહિત કોઇપણ બાબતે ચર્ચા નહીં કરવાનો નિર્ણય કરીને બેઠક મુલત્વી રાખી હતી. હેલ્થ કમિટીની બેઠકમાં આરોગ્ય વિભાગના ડીવાયએમસી પ્રવીણ ચૌધરી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ડીવાયએમસી સી.આર. ખરસાણ, તેમજ હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી કોઇક કારણસર આ બેઠકમાં હાજર રહ્યા ન હતા. એક તરફ શહેરમાં ડેન્ગ્યુ – ચિકનગુનિયા સહિતના મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે, ત્યારે તેવા સમયે મહત્વની બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ ગેરહાજર રહેતાં ચેરમેન ભરત પટેલે એવો નિર્ણય લીધો હતો કે, આ સ્થિતિમાં જો બેઠકને ચાલુ રાખવામાં આવે તો પણ સભ્યોના પ્રશ્નોના જવાબો કોણ આપશે. ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરીમાં તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબ મળી શકે તેમ નહીં હોવાથી તેમણે આ બેઠકમાં રજૂ થયેલા તમામ કામ આગામી બેઠક માટે મુલત્વી રાખ્યા હતા. સાથે હેલ્થ કમિટીની બેઠક કોઇપણ બાબતની ચર્ચા સિવાય જ પૂર્ણ થયેલી જાહેર કરી દીધી હતી.

અમદાવાદ મ્યુનિ. અધિકારીઓ અને સત્તાધારી પક્ષના નેતાઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદ થઇ રહ્યો છે, જેમાં થોડા દિવસો પહેલાં જ ઘાટલોડિયામાં વિસ્તારમાં સફાઇ, રસ્તાઓ પરના ખાડા સહિતના અનેક મામલે રજૂઆતો થયા બાદ પણ પગલા નહીં લેવામાં આવતાં સ્થાનિક કોર્પોરેટર તથા વોટર સપ્લાય કમિટીના ચેરમેન જતીન પટેલ રજૂઆત કરવા માટે ડીવાયએમસી પાસે પહોંચ્યા હતા. જોકે કેટલીક  રજૂઆતોમાં વિવાદ થતાં આ તમામ સભ્યો અધિકારીની ચેમ્બરમાં જ ધરણાં પર બેસી ગયા હતા. તે સિવાય સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કમિશનર અને સભ્ય વચ્ચે ભારે અફડાતફડી થઇ હતી.