હિંમતનગરઃ સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હિંમતનગરના ગાંભોઈ પાસેના રાજપુર ગામે ગત રાત્રી દરમિયાન એક મકાનની દીવાલ પડતાં માતા-પુત્રના મોત નીપજ્યું હતા. બનાવની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા, અને હિમતનગર ફાયર વિભાગ તેમજ પોલીસને બનાવની જાણ કરી હતી
સાબરકાંઠામાં ગઈકાલે પડેલા વરસાદને લીધે હિંમતનગરના ગાંભોઈ પાસેના રાજપુર ગામે કાચા મકાનની દીવાલ પડતાં ઘરમાં સૂઈ રહેલાં માતા અને પુત્રનું મોત નીપજ્યા હતા. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, રાજપુર ગામે કાચા ઘરમાં મહેશસિંહ પરમારનો પરિવાર સૂઈ રહ્યો હતો. તે દરમિયાન ઘરમાં પાછળના રૂમમાં તેમની પત્ની શિલ્પાબેન મહેશસિંહ પરમાર (ઉવ.35) અને ક્રીશ મહેશસિંહ પરમાર (ઉવ.9) સૂઈ રહ્યાં હતાં. દરમિયાન બાજુમાં બની રહેલા ઘરને લઈને વરસાદથી કાચા મકાનની દીવાલ પડી ગઈ હતી. જેને લઈને માતા-પુત્રનાં ઊંઘમાં મોત નીપજ્યાં છે. બંનેના મૃતદેહને રાત્રે પોસ્ટમોર્ટમ માટે ગાંભોઈ આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. ગાંભોઈ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના અંગે ગાંભોઈ આરોગ્ય કેન્દ્રના તબીબે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે હિંમતનગરના રાજપુર ગામે એક કાચા મકાનની દીવાલ તૂટી પડતાં એ મકાનમાં રહેતાં માતા અને એક બાળક ઉપર આ દીવાલ પડી હતી. જેને લઈ માતાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે બાળકને હિંમતનગર હોસ્પિટલ ખાતે સારવારા અર્થે લાવતા રસ્તામાં મોત નીપજ્યું હતું.
હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે. તો હિંમતનગર અને તલોદમાં ચાર-ચાર ઇંચ, પ્રાંતિજમાં ત્રણ ઇંચ અને ઇડરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે બાકીના તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. વરસાદને લીધે હિંમતનગરથી પસાર થતાં નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.