Site icon Revoi.in

સાવલી નજીક ડમ્પરની અડફેટે બાઈકચાલકનું મોત, વડોદરામાં રિક્ષા પલટી જતાં એકનું મોત

Social Share

વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. બે જુદા જુદા માર્ગ અકસ્માતમાં  બે લોકોના મોત નીપજ્યા હતા. જેમાં સાવલી તાલુકાના કાશીયાપુરા-પોઇચા રોડ ઉપર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરની અડફેટે આવેલા સાવલીના ખેડૂતનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ખેડૂત પોતાની મોટર સાઇકલ લઇને ઘરે આવતા સમયે રસ્તામાં જ કાળ ભેંટ્યો હતો. આ અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. આ સાથે ઘટનાની જાણ સાવલી પોલીસને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યારે બીજી ઘટનામાં વડોદરાના સિંધરોટ મીની નદી પાસે  છકડો રિક્ષા પલટી ખાઇ જતાં ડ્રાઇવરની બાજુમાં બેઠેલા આધેડનું મોત નીપજ્યું હતું.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળે છે કે,  સાવલીના પટેલ વગામાં રહેતા અને ખેતી કરતા રાજેન્દ્ર મણીલાલ પટેલ (ઉં.વ.58) પોતાની મોટર સાઇકલ પર સવાર થઈને ખેતરમાં ગયા હતા. ખેતરનું કામ પૂરું કરી રાત્રે 9 વાગ્યાના સુમારે ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે કાશીયાપુરા-પોઇચા રોડ ઉપર પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલા ડમ્પરે બાઇકને અડફેટે લેતા ચાલક રાજેન્દ્ર પટેલ રોડ પર પટકાયા હતા. જેમાં તેઓને માથામાં ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મોડી રાત્રે બનેલા આ બનાવને પગલે કાશીયાપુરા-પોઇચા રોડ ઉપર ટ્રાફિક જામ થઇ ગયો હતો. બીજી બાજુ આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને મૃતક સાવલીના રાજેન્દ્ર પટેલ હોવાની જાણ થતાં સ્થાનિક લોકોએ તેમના પરિવારજનોને જાણ કરી હતી. જેથી તેમના પરિવારજનો અને ફળિયાના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. દરમિયાન આ બનાવની જાણ થતાં સાવલી પોલીસનો કાફલો  દોડી આવ્યો હતો, અને મૃતદેહનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ડમ્પર મૂકી ફરાર થઇ ગયેલા ચાલકનું ડમ્પર કબજે કરી ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતનો બીજો બનાવ વડોદરા નજીક સિંધરાટ નજીક બન્યો હતો, જેમાં અક્ષરચોક પાસે આવેલા બી-121, મથુરા નગરીમાં રહેતા અજીત મનુભાઈ પટેલ (ઉં.વ.66) ગોત્રી હરીનગર બ્રિજ પાસેથી છકડો રિક્ષામાં ચાલકની બાજુમાં બેસી ઉમેટા જઇ રહ્યા હતા. દરમિયાન સિંધરોટ મીની નદી પાસે છકડો રિક્ષા પલટી ખાઇ જતાં અજીત પટેલને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.