- કારમાંથી ભાજપનો ખેસ, ગ્લાસ, થમ્સઅપ, સિગારેટ મળ્યા,
- કારચાલક દારૂના નશામાં હોવાની આશંકા,
- કાર પૂરફાટ ઝડપે ડિવાઈડર પર ચડી ગઈ
સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ઉધના ઓવરબ્રિજ પર વધુ અકસ્માતનો બનાવ બન્યો હતો. પૂરફાટ ઝડપે કારએ બાઈકને અડફેટે લેતા બાઈકસવારનું મોત નિપજ્યું હતું. કાર ફુલ સ્પીડમાં ભાઈકમે ટક્કર મારીને ડિવાઈડર પર ચડી ગઈ હતી. કારચાલક દારૂના નશામાં હોવાનું સ્થાનિક લોકોએ કહ્યું હતું. પોલીસે અકસ્માતનો ભોગ બનેલી કારની ઝડતી લેતા કારમાંથી ભાજપનો ખેસ, ગ્લાસ, થમ્સઅપ અને સિગારેટનું પેકેટ પણ મળી આવ્યું હતું. અકસ્માતમાં મોતને ભેટનાર 45 વર્ષીય સંજયકુમાર હરકિશન ધૂત હોવાનું જાણવા મળ્યુ છે. માતા-પિતાને રેલવે સ્ટેશન લેવા જતા સમયે પુત્રનું મોત થતા પરિવાર ગમગીન વ્યાપી ગઈ છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના ઉધના દરવાજા ઓવરબ્રિજ પર વહેલી સવારે કારચાલકે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કારચાલક નશામાં હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. આ સાથે કારમાં થમ્સઅપની બોટલ, ગ્લાસ અને સિગારેટનું પેકેટ અને ભાજપનો ખેસ પણ મળી આવ્યો હતો. સ્કોડા કાર ફૂલ સ્પીડમાં હોવાથી અકસ્માત બાદ કાર ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી. ધડાકાભેર અકસ્માત થતા કારની એરબેગ પણ ખૂલી ગઇ હતી. પોલીસ તપાસમાં કારચાલકનું નામ દેવ હોવાનું સામે આવ્યું છે અને તે ભાજપનો કાર્યકર હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અકસ્માતનો ભોગ બનેલો મૃતક સંજય હરિકિશન મૂળ રાજસ્થાનના છે પણ પરિવાર સાથે સુરતના સિટી લાઇટ વિસ્તારમાં સાકાર એપાર્ટમેન્ટમાં રહેતા હતા. પરિવારમાં પત્ની અને એક દીકરો છે. સંજય કાપડનો વેપારી છે. વહેલી સવારે જોધપુરથી માતા-પિતા સૂર્યનગરી ટ્રેનમાં સુરત આવી રહ્યાં હતાં, તેથી સંજય તેમને લેવા માટે સ્ટેશન જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
સંજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે જાણ થતા પરિવાર સ્મીમેર હોસ્પિટલ દોડી આવ્યો હતો. પરિવારના આક્રંદના કારણે માહોલ ગમગીન થઈ ગયો હતો. જે બાદ પરિવારને પોસ્ટમોર્ટમ રૂમથી ઘરે લઈ જવામાં આવ્યો હતો. અકસ્માત મામલે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.