- મંદિર ઉપર પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ
- સમગ્ર ઘટના અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
- પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવાયો
અમદાવાદઃ મોરબીમાં એક વિધર્મીએ મંદિરને નિશાન બનાવીને પથ્થરમારો કર્યો હતો. આ શખ્સે મંદિરના પુજારી સાથે તકરાર કરીને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. તેમજ આરોપીને ઝડપી લઈને આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના વાઘપુરા રામમાં આવેલા રાધાકૃષ્ણ મંદિરમાં આજે સવારે પુજારી આરતીની તૈયારી કરી રહ્યાં હતા. આ દરમિયાન મોહસીન નામનો શખ્સ મંદિર આવ્યો હતો. તેણે કોઈ પણ કારણોસર મંદિરના પુજારી સાથે તકરાર કરીને અપશબ્દો બોલ્યા હતા. એટલું જ નહીં મંદિરના પુજારી અને તેમની પત્ની ઉપર પથ્થરમારો કર્યો હતો. જેથી પુજારી અને તેમની પત્નીએ મંદિરના દરવાજા બંધ કરી દીધા હતા. દરમિયાન મોહસીને મંદિર ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. તેમજ મંદિરે આવતા લોકોને સળગાવી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. તેમજ ધાર્મિક લાગણી દુભાવનાર સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ગુનો નોંધવાની કવાયત શરૂ કરી હતી. પોલીસે આરોપીને ઝડપી લેવા માટે સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસ્યા હતા. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.