Site icon Revoi.in

ડીસાના નવુ એરફોર્સ સ્ટેશન બનાવાશે

Social Share

પાલનપુરઃ ડીસા શહેર ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલુ છે. હાલ ભૂજ અને રાજસ્થાનના ઉત્તરલાઈમાં ભારતીય એરફોર્સનું એરબેઝ છે. હવે બન્ને વચ્ચેનું અંતર ઘટાડવા માટે ડીસામાં ભારતીય એરફોર્સનું સ્ટેશન બનાવાશે. હાલ નવા એરફોર્સ સ્ટેશનની તબક્કાવાર કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે. ભારતીય સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં જ ડીસા એરબેસ પર રન -વેનો સરવે કર્યો હતો, જેને ઓબ્સ્ટેકલ લિમિટેશન સરફેસ (OLS) કહેવામાં આવે છે.

ડીસામાં એરફોર્સના એરબેઝ બનાવવા માટે ભારતીય સંરક્ષણ મંત્રાલયે સરવેની આ કામગીરી સિંગાપોરની એક ખાનગી કંપનીને સોંપી હતી. તે અંતર્ગત સિંગાપોરથી DA62 પ્રકારના ટચૂકડું વિમાન અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યું હતું.આવા ખાસ પ્રકારના સરવે વિદેશી કંપનીઓ દ્વારા જ કરાય છે, જેમાં પાયલોટ પણ એકદમ સક્ષમ અને ફ્લાઈંગનો બહોળો અનુભવ ધરાવતા હોય છે. તેનું કારણ એ છે કે, વિમાનની મદદથી સરવે કરતી વખતે આડુંઅવળું અને ઊંચું નીચું લઈ કેલેબ્રેશન કરવામાં આવે છે. હવે આ સરવેનો રિપોર્ટ સંરક્ષણ મંત્રાલયને સોંપાશે. જેના દ્વારા આખા એરપોર્ટનો એક નકશો તૈયાર કરાશે અને ત્યારબાદ તબક્કાવાર કામગીરી શરૂ કરાશે.

સિગાપોરની ખાનગી કંપનીના પાયલોટ  અને ક્રૂએ સર્વે માટે ડીસાના એરપોર્ટના રન-વેની આસપાસ લગભગ ત્રણ કલાક સુધી ડિશા, ધાનેરા, થરાદ, ભાભર એમ ચારેય દિશામાં 30 નોટિકલ માઈલ સુધી 8000 ફૂટની ઊંચાઈએ સરવે કર્યો હતો. આ વિમાન સિંગાપોરથી આવેલું સ્પેશિયલ કેટેગરીનું લાઇટવેઇટ DA62 હતુ જેનું વજન 2300 કિલો છે. ડીસાની પસંદગી પાછળ વ્યૂહાત્મક કારણ ડીસા એરફોર્સ સ્ટેશનના કારણે ભૂજ અને રાજસ્થાનના ઉત્તરલાઈ એરબેઝ વચ્ચેના લાંબા અંતરમાં ઘટાડો થશે. પાક. તરફથી કોઈપણ જોખમ સામે વળતો જવાબ આપવામાં મોટી મદદ મળી રહેશે. પાક.ના મિરપુર ખાસ અને જેકોબાબાદ એરફોર્સની ક્ષમતા સામે ડીસા એરબેઝના નિર્માણથી ભારતના એરફોર્સની ક્ષમતામાં અનેકગણો વધારો થશે. ઓબ્સ્ટેકલ લિમિટેશન સરફેસ સરવે? ઓબ્સ્ટેકલ લિમિટેશન સરફેસ (OLS) સરેવમાં વ્યાપક નિરીક્ષણ કરાય છે, જેમાં એરપોર્ટની આસપાસના અવરોધોને ઓળખવામાં આવે છે. તેના આધારે સુરક્ષિત એરસ્પેસનો નકશો તૈયાર થાય છે. આ સરવે દરેક એરફિલ્ડ માટે જરૂરી છે અને તે એરપોર્ટ ટેકનિકલ ઇન્સ્પેક્શન (ATI) નો ભાગ છે. આ સરવેનો હેતુ સુરક્ષિત એરક્રાફ્ટ કામગીરી સુનિશ્ચિત કરવાનો છે અને ટેક-ઓફ અને લેન્ડિંગ વખતે દખલગીરી અટકાવવાનો છે. કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) એ માર્ચ 2018માં ડીસામાં ફાઈટર બેઝ સ્થાપવાની ઈન્ડિયન એર ફોર્સ (IAF) યોજનાને મંજૂરી આપી હતી. (File photo)