નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈન (IBFP)નું વર્ચ્યુઅલ મોડમાં સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે પીએમ મોદીએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે આ પાઈપલાઈન બાંગ્લાદેશના વિકાસને વધુ વેગ આપશે, અને બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી વધારવાનું એક ઉત્તમ ઉદાહરણ પણ હશે. આમ ભારત-બાંગ્લાદેશ વચ્ચેના સંબંધને લઈને નવા અધ્યાયની શરૂઆત થઈ છે.
પીએમ મોદીએ કહ્યું કે કેટલો શુભ સંયોગ છે કે આજે ઉદ્ઘાટન બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જન્મજયંતિના એક દિવસ પછી થઈ રહ્યું છે. બંગબંધુના ‘શોનાર બાંગ્લા’ વિઝનમાં સમગ્ર પ્રદેશના સુમેળભર્યા વિકાસ અને સમૃદ્ધિનો સમાવેશ થતો હતો. આ સંયુક્ત પ્રોજેક્ટ તેમના વિઝનનું ઉત્તમ ઉદાહરણ છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારત બાંગ્લાદેશને 1100 મેગાવોટથી વધુ વીજળી સપ્લાય કરી રહ્યું છે. મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું પ્રથમ યુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે. ગયા વર્ષે પીએમ શેખ હસીનાની ભારત મુલાકાત દરમિયાન તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે અમે ટૂંક સમયમાં બીજું યુનિટ શરૂ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. મબંને દેશો વચ્ચે આ પહેલી ક્રોસ બોર્ડર પાઇપલાઇન છે. તે લગભગ 377 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. કુલ ખર્ચમાંથી 285 કરોડ રૂપિયા બાંગ્લાદેશમાં પાઈપલાઈન નાખવા પાછળ ખર્ચવામાં આવ્યા છે. ભારતે આ રકમ અનુદાન સહાય હેઠળ ખર્ચી છે.
આ પાઈપલાઈનના નિર્માણ માટેનો શિલાન્યાસ સપ્ટેમ્બર 2018માં બંને વડાપ્રધાનો દ્વારા કરવામાં આવ્યો હતો. નુમાલીગઢ રિફાઈનરી લિમિટેડ 2015થી બાંગ્લાદેશને પેટ્રોલિયમ ઉત્પાદનો સપ્લાય કરે છે. ભારત અને તેના પડોશીઓ વચ્ચે આ બીજી ક્રોસ બોર્ડર એનર્જી પાઈપલાઈન છે. પાવર અને ઊર્જા ક્ષેત્રે સહકાર એ ભારત-બાંગ્લાદેશ સંબંધોની ઓળખ બની ગઈ છે. IBFP એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ક્રોસ બોર્ડર એનર્જી પાઇપલાઇન છે જે બાંગ્લાદેશમાં હાઇ-સ્પીડ ડીઝલ (HSD)ના વાર્ષિક 1 મિલિયન મેટ્રિક ટન (MMTPA) પરિવહન કરવાની ક્ષમતા ધરાવે છે. બાંગ્લાદેશ સાથે વિસ્તૃત કનેક્ટિવિટી બંને પક્ષો વચ્ચે લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે. બાંગ્લાદેશ ભારતનું ટોચનું સૌથી વિકાસ ભાગીદાર છે અને આ ક્ષેત્રમાં તેનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. ફ્રેન્ડશીપ પાઈપલાઈનનું સંચાલન બંને દેશો વચ્ચે ચાલુ ઊર્જા સહયોગને વધારશે અને બાંગ્લાદેશમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં વધુ વૃદ્ધિ કરશે. પીએમ મોદીએ બંને દેશોના લોકોના હિત માટે બાંગ્લાદેશ સાથે કામ કરવાનું ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.