Site icon Revoi.in

રાજકોટ શહેરની પાણીની સમસ્યા હલ કરવા માટે નવા ડેમનું નિર્માણ કરાશે

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રનાં પાટનગર સમા રાજકોટમાં પીવાના પાણીની સમસ્યા એ કાયમી સમસ્યા બની ચૂકી છે. જેમાં ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ ડંકીઓના દારોમાં પાણીના તળ ડૂકી જતાં અનેક વિસ્તારોમાં પાણીની પારાયણ શરુ થઇ જાય છે. શહેરને હાલ નર્મદા, ભાદર, આજી અને ન્યારી-1 ડેમમાંથી પાણી પુરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે ભવિષ્યમાં પાણીની જરૂરિયોને ધ્યાનમાં રાખીને શહેરની પાણી સમસ્યાના નિવારણ માટે ભાવનગર રોડ ઉપર નવા ડેમનું નિર્માણ કરવામાં આવશે.

આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, શહેરનાં ભાવનગર રોડ ઉપર નવા ચેકડેમનાં નિર્માણ માટે આગામી ટૂંક સમયમાં જ રાજ્ય સરકારમાં દરખાસ્ત કરી દેવાશે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજુ કોઇ વધુ ફરિયાદો આવતી નથી. આગામી ચોમાસા સુધી ચાલે તેટલો જળરાશિનો જથ્થો પણ જળાશયોમાં ઉપલબ્ધ છે. જિલ્લામાં 29 જેટલા જળાશયો આવેલા છે. આણંદપર-નવાગામ-બામણબોર સહિતના કેટલાક વિસ્તારોમાં કે જ્યાં પાણીના સોર્સ નથી આવા વિસ્તારોને ટેન્ડરો મારફત વહીવટી તંત્રએ પાણી પહોંચાડવાનું શરુ કર્યું છે. તેમજ રાજકોટ શહેરની પાણી સમસ્યાના નિવારણ માટે શહેરનાં ભાવનગર રોડ પર નવા ડેમનું નિર્માણ કરવા માટેની યોજના તૈયાર કરી દેવામાં આવી છે. અને આ બાબતે આગામી ટૂંક સમયમાં જ રાજ્ય સરકારમાં આ અંગેની દરખાસ્ત કરી દેવાશે.
રાજકોટ શહેરના અમદાવાદ રોડ પર આવેલા બામણબોર નજીકનો ચેકડેમ મોટો કરવાની યોજના પણ જિલ્લા વહીવટી તંત્ર તૈયાર કરવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવી ઉમેર્યું હતું કે આ ચેકડેમ મોટો થતા આ વિસ્તારની પાણી સમસ્યાનો ઉકેલ આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હીરાસર એરપોર્ટના રન-વેના બોક્સ કન્વર્ટરનું પાણી આ ચેકડેમમાં લઇ જવાની યોજના છે. બોક્સ ક્ધવર્ટર નીચેનું પાણીનું વહેણ ઝાલાવાડ તરફથી આવી રહ્યું હોય આ પાણીને બામણબોર પાસેનાં ચેકડેમમાં લઇ જવાતા આ પાણીનો સદુપયોગ થશે. અહીં એ ઉલ્લેખનીય છે કે હીરાસર એરપોર્ટનાં રન-વેનું મોટાભાગનું કામ પરિપૂર્ણ કરી દેવામાં આવેલ છે જ્યારે હવે બોક્સ કન્વર્ટરનું કામ ઝડપભેર આગળ વધારવામા આવી રહ્યું છે.હવે આ બોક્સ કન્વર્ટર નીચેથી પસાર થતાં પાણીના વહેણને બામણબોર નજીકના ચેકડેમને મોટો કરી તેમાં ઠાલવવાની યોજના વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરનાં લમણે વર્ષોથી પાણી સમસ્યા લખાઇ ચૂકી છે. શહેરને હાલ પાણી પુરું પાડવા માટે આજી, ન્યારી-1 અને ભાદર ડેમમાંથી જળરાશિનો જથ્થો ઉપાડવામાં આવી રહ્યો છે. તેમજ સૌની યોજનાના પાણી ઉપર પણ મોટો આધાર રહેલો છે. નર્મદા યોજનાનું પાણી શહેરને પાણી પુરુ પાડવામાં આવી રહ્યું હોય નગરજનોને જળસંકટનો સામનો કરવો પડતો નથી. હવે વહીવટી તંત્ર દ્વારા શહેર માટે કાયમી ધોરણે પાણીનો નવો સ્ત્રોત ઉભા થાય તે માટે શહેરનાં ભાવનગર રોડ ઉપર નવા ડેમનું નિર્માણ કરવા માટે યોજના તૈયાર કરી છે.અને આ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી ટૂંક સમયમાં જ રાજ્ય સરકારમાં દરખાસ્ત કરી દેવામાં આવશે. (file photo)