અમદાવાદમાં AMC દ્વારા ઘાટલોડિયા વિસ્તારમાં 9.25 કરોડના ખર્ચે નવી ડ્રેનેજ લાઈન નંખાશે
અમદાવાદઃ શહેરના કેટલાક વિસ્તારોમાં વર્ષો પહેલા ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ અસ્તિત્વમાં હતી તે સમયે નંખાયેલી ડ્રેનેજ લાઈન જર્જરિત બની ગઈ છે. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જુની ડ્રેનેજ લાઈન કાઢીને નવી ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે મુખ્યમંત્રીના મત વિસ્તાર એવા ઘાટલોડિયામાં ગટર ઉભરાવવાની સમસ્યાને દૂર કરવાં રૂ.9.25 કરોડના ખર્ચે નવી ડ્રેનેજ લાઈન નાખવામાં આવશે. તેમજ હયાત ડ્રેનેજ લાઈનને CIPP મેથડથી રિહેબિલિટેશન કરવામાં આવશે.જેથી રન્નાપાર્ક, કે. કે. નગર, ભૂયંગદેવ, કર્મચારીનગર, ઘાટલોડિયા ગામ, વગેરે જુદા-જુદા સ્થળે ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા હળવી બનશે.
શહેરના ઘાટલોડિયા વોર્ડમાં કેટલીક જગ્યાએ ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા વિકટ બની છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટરો અને રહીશો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને ઘાટલોડિયામાં ત્રણ સ્થળે રૂ.9.25 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવા અને પાલિકા- પંચાયતના સમયની હયાત ડ્રેનેજ લાઈન રિહેબિલિટેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઘાટલોડિયા વોર્ડના પાલિકા- પંચાયતના સમયની વર્ષો જૂની ડ્રેનેજ લાઈન છે. આ વિસ્તારમાં વસ્તી વધવાને પગલે પાણીની જરૂરિયાત અને વપરાશ વધવાને પગલે વર્ષો પહેલાં નાંખવામાં આવેલી ડ્રેનેજ લાઈનોની વહન ક્ષમતા ઓછી હોવાને કારણે કેટલીકવાર ગટરો ઉભરાવાની સમસ્યા સર્જાય છે અને તેના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. કેન્દ્ર સરકારની સ્કીમ અમૃત- 2 અંતર્ગત સ્ટેસ વોટર એક્શન પ્લાન હેઠળ મંજૂર થયેલા કામો પૈકી પેકેજ- 5 હેઠળ પ્રભાતચોકથી ઉમિયા હોલ પેરેલલ RCC રોડ લાઈન, કડિયાના નાકા ઘાટલોડિયા ગામથી નૂતન સ્કૂલથી પ્રભાતચોક અને કર્મચારી ક્રોસ રોડથી ભૂયંગદેવ ક્રોસ રોડ સુધી હયાત ડ્રેનેજ લાઈનમાં જરૂરિયાત મુજબ CIPP પદ્ધતિથી રિહેબિલિટેશન કરવામાં આવશે.