Site icon Revoi.in

ગુજરાત ભાજપની નવી સરકારમાં મુળ કોંગ્રેસી એવા મંત્રીઓને પડતા મુકીને નવા ચહેરાને સ્થાન અપાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓના રાજીનામાં બાદ નવા સીએમ અને નવી સરકારની રચનાની તૈયારીઓ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પૂરજોશમાં ચાલી રહી છે.  ભાજપના જ સૂત્રોના કહેવા મુજબ પાટીદાર મુખ્યમંત્રી સહિત બે નાયબ મુખ્યમંત્રીઓમાં એક ઓબીસી નાયબ મુખ્યમંત્રી પદ મહિલાને મળી શકે છે. જ્યારે રૂપાણી મંત્રીમંડળના 6 બિમાર અને નિષ્ફળ રહેલા મંત્રીઓને પડતા મુકી યુવા ધારાસભ્યોને તક  આપવામાં આવી શકે છે. ખાસ કરીને કોંગ્રેસમાંથી આવેલા અને બારોબાર મંત્રીપદ મેળવનારા કુવરજી બાવળીયા અને જવાહર ચાવડાનું પણ પત્તુ કપાઈ શકે છે. નવા મુખ્યમંત્રી મંગળવારે શપથ લે તેવી શક્યતાઓ છે જ્યારે નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળની રચના એક અઠવાડિયામાં પૂર્ણ કરી નવી સરકાર કામ કરતી થશે.

ગુજરાત ભાજપના પ્રમુખ પદે સીઆર પાટીલની નિમણૂંક થયા બાદ તેમણે કેટલાક કઠોર નિવેદનો કર્યા હતા. જેમા ભાજપને હવે કોંગ્રેસની જરૂર નથી. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં 60 વર્ષથી વધુ વયના તથા ત્રણ ટર્મથી વધુ ચૂંટાયેલાને ટિકિટ ન આપવાનો નિર્ણય જાહેર કરાયો હતો. પાટીલના આવા નિર્ણય બાદ હવે ભાજપની સરકાર બની રહી છે ત્યારે નવા મંત્રીમંડળમાંથી કોંગ્રેસમાંથી આવેલા અને મંત્રીપદ મેળવેલા બે મંત્રીઓને પડતા મુકવાની સાથે વૃદ્ધ અને બિમાર મંત્રીઓને પણ પડતા મુકી યુવાનોને તક આપવામાં આવે તેવી શક્યતાઓ છે.  ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને અડધોઅડધ મંત્રીમંડળનું પણ પત્તુ કપાય તેવી એક થિયરી સામે આવી છે. ગુજરાતના મંત્રીમંડળના મોટા અને ધરખમ ફેરફારો થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.  50 થી 70 ટકા નવા ચહેરા નવી કેબિનેટમાં સામેલ થાય તેવુ દેખાઈ રહ્યુ છે. મંત્રી મંડળમાં આખરે કોનુ પત્તુ કપાશે, અને કયા નવા ચહેરાને સ્થાન મળશે. તેની ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચા ચાલી રહી છે.

કેન્દ્રીય મંત્રીમંડળમાં 45 વર્ષ કે તેથી ઓછી વયના 6 યુવા નેતાઓને પણ મંત્રી બનાવવામાં આવ્યા. જેમાં પાર્ટી સંગઠનનું ફિડબેક, સંઘનો અભિપ્રાય, પ્રાઈવેટ એજન્સીનો સર્વે ઉપરાંત ઘણા એવા સોર્સ હોય છે, જેના તારણ આવ્યા બાદ બદલાવ કરવામાં આવતો હોય છે. આ જ કારણ છે કે ગુજરાતમાં મંત્રીમંડળમાં નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે. જેમાં અનેક નેતાઓનું પત્તુ કપાઈ શકે છે.