Site icon Revoi.in

અમદાવાદમાં એકત્ર થતા લાખો ટન ઘન કચરાના નિકાલ માટે નવી લેન્ડફીલ સાઇટ તૈયાર કરાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં રોજબરોજ એકત્ર કરાતા કચરાને કાયમી માટે નિકાલ કરવાની સમસ્યા વિકટ બની છે. લાકો ટન એકત્ર થતા કચરાના મોટા ડુંગર ખડકાયા છે, આથી કચરાના નિકાલ માટે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ પોલિસી ઘડી કાઢી છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી એકત્ર કરવામાં આવતાં સુકા અને ભીના કચરાને પ્રોસેસ કર્યા બાદ વધતા વેસ્ટનાં નિકાલ માટે નવી લેન્ડફીલ સાઇટ તૈયાર કરવાની તથા ૩ વર્ષ સુધી તેની ઉપર દેખરેખ રાખવાની કામગીરી ધી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેકટ સંસ્થાને સોંપવાનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાંથી એકત્ર કરાતાં કચરાને સૌપ્રથમ રેફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન ખાતે લાવવામાં આવે છે, જયાં પ્લાસ્ટિક સહિત રિસાયકલ થઇ શકે તેવા કચરાને અલગ પાડવામાં આવે છે. ત્યારબાદ અન્ય કચરાને કન્ટેઇનરમાં ભરીને પીરાણા ડમ્પ સાઇટ ખાતે ઠાલવવામાં આવે છે, જયાં કચરાનુ ફરી બાયોમાઇનીંગ પ્રોસેસ કરવામાં આવે છે. પીરાણા ડમ્પ સાઇટ ખાતે હાલ ૪૦ જેટલાં ટ્રોમિલ મશીન કાર્યરત છે અને ઓટોમેટિક સેગ્રીગેશન થઇ રહ્યું છે.

ડમ્પ સાઇટ ખાતે પ્રોસેસ થતાં કચરાનાં અંતિમ નિકાલ માટે પીરાણાની સામે જ ગ્યાસપુરમાં મ્યુનિ.ની જગ્યામાં સને ૨૦૦૮માં લેન્ડફીલ સાઇટ બનાવવામાં આવી હતી. જે ૧૧.૫૦ લાખ મેટ્રીક ટન કચરો ઠાલવી શકાય તેટલી ઉંડી અને પહોળી છે. સોલિડ વેસ્ટ ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્ષો જૂની લેન્ડફીલ સાઇટમાં એક હજાર ટન જેટલાં આરડીએફનો નિકાલ કરવામાં આવતો હોઇ તે જગ્યા હવે ભરાઇ જવા આવી છે તેથી તેની બાજુમાં જ નવી લેન્ડફીલ સાઇટ-૨ બનાવવાનો નિર્ણય મ્યુનિ.કમિશનરે લીધો છે. કમિશનરની સૂચના મુજબ નવી સાઇટનાં પ્લાનિંગ, ડિઝાઇન, અંદાજ અને ટેન્ડર તૈયાર કરવાની કામગીરી માટે ધી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરીંગ સંસ્થાને સોંપવામાં આવી છે.