Site icon Revoi.in

UPI વ્યવહારોમાં એક મહિનામાં રૂ.20.45 લાખ કરોડનો નવો રેકોર્ડ

Social Share

નવી દિલ્હીઃ ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં UPIએ ઇતિહાસ રચ્યો છે. જેમાં મે મહિનામાં 20 લાખ 45 હજાર કરોડ જેટલી રકમનું ટ્રાન્ઝેક્શન લોકોએ UPIથી કર્યું છે. આ પ્રથમ વાર છે કે, લોકોએ મોટી સંખ્યામાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કર્યું હોય. આ આંકડો UPIની વધતી લોકપ્રિયતા દર્શાવે છે.

ભારતની લોકપ્રિય પેમેન્ટ સિસ્ટમ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)એ ટ્રાન્ઝેકશન્સ-વ્યવહારોમાં મે મહિનામાં રૂ. 20.45 લાખ કરોડ મૂલ્યના કુલ 14.04 અબજ વ્યવહારોનો નવો રેકોર્ડ બનાવ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા અપાયેલા આંકડા મુજબ ગત વર્ષ 2023ના સમાન મહિનાની તુલનાએ આ વર્ષમાં મે મહિનામાં UPI ટ્રાન્ઝેકશન વોલ્યુમમાં 49 ટકા વધારો અને મૂલ્યમાં 39 ટકા જેટલો વધારો થયો છે. એપ્રિલ 2016માં UPI કાર્યરત બન્યા બાદથી મે 2024 મહિનામાં મૂલ્ય અને વોલ્યુમ બન્ને રીતે આંક સૌથી વધુ નોંધાયો છે.

ઈમીડિયેટ પેમેન્ટ સર્વિસ (IMPS) વ્યવહારોનો આંક એપ્રિલના 55 કરોડની તુલનાએ મે મહિનામાં 1.45 ટકા વધીને 55.8 કરોડ નોંધાયો છે. મૂલ્યમાં આ આંક એપ્રિલ 2024ના રૂ. 5.92 લાખ કરોડની તુલનાએ 2.36 ટકા વધીને રૂ. 6.06 લાખ કરોડ નોંધાયો છે. ગત વર્ષના સમાન મહિનાની તુલનાએ મે 2024ના મહિનામાં વોલ્યુમમાં 12 ટકા વધારો અને મૂલ્યમાં 15 ટકાનો વધારો થયો છે.