અમદાવાદઃ શહેરમાં અનેક ગરીબ પરિવારો ફુટપાથ પર અથવા તો બ્રીજ નીચે રાત્રિ દરમિયાન સુઈ રહેલા જોવા મળતા હોય છે. આવા લોકોને કોઈ આશ્રય ન હોવાથી દિવસ દરમિયાન મજુરી કરીને અથવા તો ભીખ માગીને રાત્રિ દરમિયાન ફુટપાથ કે બ્રીજ નીચે સુઈ જતાં હોય છે.આવા લોકોને મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત રેન બસેરામાં આશ્રય આપવા નાઈટ ડ્રાઈવ કરાશે. રાત્રિના સમયે ફુટપાથ કે બ્રિજ નીચે સુતા હાય એવા લોકોને રેન બસેરામાં મોકલી અપાશે.
અમદાવાદ શહેરમાં ફૂટપાથ અને બ્રિજ નીચે જે લોકો રાત્રિ દરમિયાન સુઈ જાય છે. આવા લોકોને રેન બસેરામાં આશ્રય આપવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સૂચના આપવામાં આવી છે. એએમસીના યુસીડી વિભાગની ટીમ દ્વારા નાઈટ ડ્રાઇવ કરીને જે લોકો ફુટપાથ કે પુલ પર સુતા હશે તેમને સમજાવીને મ્યુનિ કોર્પોરેશનના રેન બસેરામાં ખસેડવામાં આવશે. રેન બસેરામાં સુવા માટે ધાબળા, ગરમ પાણી તેમજ દરરોજ સાંજે વિનામૂલ્યે ભોજન સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તેના માટે આ ડ્રાઈવ ચલાવવામાં આવશે.
એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું કે, શિયાળાના આગમન સાથે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. શહેરમાં ફૂટપાથ તેમજ બ્રિજની નીચે વિવિધ જગ્યાઓ પર રાત્રે લોકો સુતા હોય છે. આવા ઘરવિહોણા લોકોને આશ્રય આપવા માટે યુસીડી વિભાગની ટીમને નાઈટ ડ્રાઈવ કરવાની સૂચના આપી છે. એએમસી દ્વારા શહેરના વિસ્તારોમાં કુલ 30 જેટલા રેન બશેરા બનાવવામાં આવ્યા છે. તેમાં અત્યાધુનિક સુવિધાઓ જેવી કે CCTV, ગરમ પાણી, સુવા માટે ગરમ ધાબળા, પીવાના પાણી, શૌચાલય વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવે છે. તેમજ તેઓને સાંજના સમયે ગરમ ભોજન પણ પૂરું પાડવામાં આવે છે. ઉપરાંત જે લોકોને રેન બસેરામાં રહે છે, તેઓને સરકારના વિવિધ લાભો જેવા કે આયુષ્યમાન કાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ, ઇ શ્રમ કાર્ડ વગેરે લાભ પણ આપવામાં આવે છે. જો કોઈપણ તે બીમાર પડે તો તેને નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં લઈ જઈ તેને સારવાર પણ કરાવવામાં આવશે. આમ જે લોકો ઘરવિહોણા છે તેઓને આશ્રય આપવા માટે થઈ હવે નાઈટ ડ્રાઈવ ચલાવવા માટેની સૂચના અધિકારીઓને આપવા આવી છે.