- ઉત્તર કોરિયાનો ત્રાસ
- ફરીવાર કર્યું મિસાઈલનું પરીક્ષણ
- કોરિયા દ્વારા આ વર્ષનું સાતમું પરીક્ષણ
દિલ્હી: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોહન ઉન દ્વારા ફરીવાર જાપાનના દરિયામાં ફરીવાર મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. કોરિયા દ્વારા આ વર્ષનું તે સાતમું પરીક્ષણ છે. કોરિયા દ્વારા આ પ્રકારનું પરીક્ષણ કરવામાં આવતા જાપાની કોસ્ટ ગાર્ડને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. કિમના જણાવ્યા અનુસાર આ પરીક્ષણ દેશની પરમાણુ યુદ્ધ સામે રક્ષણ કરવાની ક્ષમતાને મજબૂત કરશે. ઉત્તર કોરિયાએ આ મહિને બે અલગ-અલગ પ્રકારની શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.
નિષ્ણાતોનું કહેવું છે કે ઉત્તર કોરિયા મિસાઈલ પરીક્ષણો દ્વારા બાયડેન પ્રશાસન પર સતત દબાણ બનાવી રહ્યું છે. આ પરીક્ષણો અમેરિકી પ્રતિબંધો હટાવવા અને પરમાણુ નિઃશસ્ત્રીકરણ પર અટકેલી વાટાઘાટો ફરી શરૂ કરવાના હેતુથી કરવામાં આવી રહ્યા છે. ઉત્તર કોરિયાએ વર્ષની શરૂઆત કથિત હાઈપરસોનિક મિસાઈલના પરીક્ષણથી કરી હતી.
ઉત્તર કોરિયાએ કહ્યું હતું કે આ અઠવાડિયે તેના બે રાઉન્ડના શસ્ત્રોના પરીક્ષણ સફળ રહ્યા છે. તેણે તેની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને વધુ શક્તિશાળી શસ્ત્રોના વિકાસને વેગ આપવાનું ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો છે. ઉત્તર કોરિયાએ દરિયાકાંઠાના વિસ્તારમાંથી છોડેલી બે બેલેસ્ટિક મિસાઈલોને પરંપરાગત સપાટીથી પ્રહાર કરતી મિસાઈલ ગણાવી છે અને કહ્યું છે કે તેમના પરીક્ષણો સફળ રહ્યા છે.
જો કે જાણકારો તો એ પણ કહે છે કે ઉત્તર કોરિયાને ચીનનું સમર્થન હોવાથી તે આ પ્રકારની પ્રવૃતિઓ કરે છે અને તે કોઈની ચિંતા કર્યા વગર આ પ્રકારના મિસાઈલ પરીક્ષણ કર્યા કરે છે.