દિલ્હી: રેલવેની જમીન ઉપર બનેલા મંદિર-મસ્જિદ સહિતના ગેરકાયદે ધાર્મિક સ્થળો દૂર કરવા નોટિસ અપાઈ
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના વિકાસ કાર્યોમાં અવરોધ બની રહેલા ગેરકાયદેસર રીતે બનેલા ધાર્મિક સ્થળો પર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભજનપુરાની સમાધિ અને હનુમાન મંદિર પર બુલડોઝરની કાર્યવાહી બાદ હવે દિલ્હીની બંને બાજુની મસ્જિદો પર બુલડોઝર ચલાવવાની તૈયારી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તેમજ તંત્ર દ્વારા બંને ધાર્મિક સ્થળોનું ગેરકાયદે દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ઉત્તર રેલ્વેએ રેલ્વે ટ્રેક પાસે ગેરકાયદેસર અતિક્રમણને હટાવવા માટે નોટિસ મોકલી છે. આ નોટિસમાં રેલવેની જમીન પર બનેલા મંદિર, મસ્જિદ અને અન્ય બાંધકામોને 15 દિવસની અંદર હટાવવા માટે કહેવામાં આવ્યું છે. તેમાં બે મસ્જિદોનો પણ સમાવેશ થાય છે. દિલ્હીની જે બે મસ્જિદોને રેલવે દ્વારા નોટિસ મોકલવામાં આવી છે તેના નામ બંગાળી માર્કેટ મસ્જિદ અને ટાકિયા બબ્બર શાહ મસ્જિદ છે.
રેલવેના મુખ્ય પ્રવક્તા દીપક કુમારે કહ્યું કે રેલવેની જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવું પડશે. આ માટે ઉત્તર રેલવે દ્વારા 15 દિવસમાં જમીન ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. તે મંદિર, મસ્જિદ, મઝાર અથવા અન્ય કોઈ ઇમારત હોઈ શકે છે. જો તેમને 15 દિવસની અંદર ખાલી કરવામાં નહીં આવે તો રેલવે પોતે જ અતિક્રમણ દૂર કરશે.
દીપક કુમારે સ્પષ્ટતા કરી છે કે, આ નોટિસ માત્ર મસ્જિદને મોકલવામાં આવી નથી. રેલવેની જમીન પર અતિક્રમણ કરનારા તમામને મોકલી દેવામાં આવ્યા છે. જેમાં અનધિકૃત ઈમારતો, મંદિરો, મસ્જિદો અને મઝારોનો સમાવેશ થાય છે. રેલવેએ નોટિસ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે જે લોકો અતિક્રમણ નહીં હટાવે તેમના નુકસાન માટે રેલવે જવાબદાર રહેશે નહીં.