Site icon Revoi.in

અંબાજીના ભાદરવી પુનમના મેળાને આખરે રદ કરવાનું નોટિફિકેશન જાહેર કરાયું

Social Share

રાજકોટઃ  રાજયના ગૃહવિભાગ દ્વારા આ વર્ષે અંબાજીનો ભાદરવી પુનમનો મેળો રદ કરાયો છે તથા આગામી તા.25 સુધી અંબાજી મંદિર બંધ રાખવાની જાહેરાત થતા માઇ ભકતોમાં નિરાશા વ્યાપી ગઇ છે. અનેક સંસ્થાઓએ અંબાજી જતા માર્ગો પર ભંડારાની વ્યવસ્થા કરી છે પરંતુ ભાદરવી પુનમનો મેળો રદ થતા નિરાશા વ્યાપી ગઇ છે. ગૃહ વિભાગની સૂચના અનુસાર અંબાજી જતા પગપાળા સંઘોને પણ મંજુરી ન આપવામાં આવે તથા જેઓને બાધા, ચાખડી, માનતા હોય તેમના પુરતી જ મર્યાદિત સંખ્યામાં વ્યકિતઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે તેમ જણાવાયું છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે ભાદરવી પુનમનો મેળો રદ કરાયો હતો. સતત બીજા વર્ષે ભાદરવી પુનમનો મેળો રદ થતા માઇ ભકતોમાં ભારે નિરાશા જન્મી છે.

ગૃહ વિભાગે અંબાજી મંદિરનો ભાદરવા પુનમનો મેળો તા.13 થી તા.25 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. તેનો પરિપત્ર તા. 15મીએ બહાર પાડતા અફડાતફડી મચી ગઇ હતી. જે પદયાત્રા સંઘો પહોંચવાની તૈયારીમાં હતા ત્યાં આજે ગૃહ વિભાગનો પરિપત્ર જાહેર થતા માઇભકતો, પદયાત્રા સંઘમાં જોડાયેલા ભકતોમાં રોષ છવાયેલો જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ઉભા કરાયેલા ભંડારાના આયોજકો પણ રોષ ઠાલવી રહ્યા છે. ગૃહ વિભાગે પરિપત્ર 2 દિવસ બાદ કેમ બહાર પાડયો તે અંગે લોકો ચર્ચા કરી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી અનેક યાત્રાળુંઓ અંબાજીમાં આવી રહ્યા છે. અને મેળા જેવું વાતાવરણ જામ્યું છે. પણ હવે મેળો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.                                                                                                                                                                                                                (File – photo)