આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા મોરબીના સિરામીક એકમોમાં એક મહિનાના વેકેશનની જાહેરાત
અમદાવાદઃ સમગ્ર દેશમાં મોરબી સિરામીક ઉદ્યોગનું હબ ગણાય છે. પરંતુ ગેસના ભાવ અને રો મટીરિયલની કિંમતમાં થયેલા વધારાને પગલે સિરામીક ઉદ્યોગ ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. દરમિયાન સિરામીક ઉદ્યોગમાં એક માસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી સિરામિક ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે, મોંઘવારીના કારણે આ ઉદ્યોગ પણ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. દરમિયાન મોરબી સિરામિક ઉદ્યોગમાં એક માસના વેકેશન જાહેર કરવામાં આવી છે. મોરબી સિરામિક ઉદ્યોગ એસોસિએસનની જાહેરાતના પગલે 650 જેટલા સિરમિકના યુનિટો બંધ રહેશે.
ગેસના ભાવ, રો મટીરીયલની કિંમત, શિપિંગ ભાડાનો વધારો, યુક્રેન યુધ્ધને લઈને એક્સપોર્ટ ઓછું થવું સહિતની સમસ્યાઓ સિરામિક ઉદ્યોગ પર પડી છે. જેથી ટાઇલ્સના ભાવ અને ઉત્પાદન ખર્ચ બંને સમતોલ થાય તે માટે વેકેશન જાહેર કરાયું છે. સિરામીક ઉદ્યોગમાં એક મહિનાના વેકેશનની જાહેરાત કરવામાં આવતા અહીં કામ કરતા કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મુકાયાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર પડી હતી. હવે વેપાર-ધંધા ફરીથી ધમધમતા થઈ રહ્યાં છે જો કે, મોંઘવારીને પગલે નાના અને મધ્યમકદના એકમ સંચાલકોની મુશ્કેલીઓ વધી છે.