Site icon Revoi.in

સુરતના નેચર પાર્કમાં વ્હાઇટ ટાઈગરની જોડી શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

Social Share

સુરત:  સુરત મહાનગર પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં હાલમાં જ રાજકોટથી સફેદ વાઘની એક જોડી લાવવામાં આવી છે. આ સાથે જ હોગ ડિયર એટલે કે હરણની જોડી પણ નેચર પાર્કમાં લાવવામાં આવશે. આ સમગ્ર કામગીરી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવી છે. સફેદ વાઘની જોડી શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સફેદ વાઘ વાઘણના બદલામાં સરથાણા નેચર પાર્કથી દીપડા અને જળ બિલાડીની જોડી રાજકોટ પ્રાણી સંગ્રહાલય આપવામાં આવી હતી. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ઝૂ ઓથોરિટીની જરૂરી મંજૂરી બાદ પ્રાણીઓની અદલા બદલી કરવામાં આવે છે. જેના ભાગ રૂપે સુરત મહાનગર પાલિકા દ્વારા રાજકોટ પ્રાણી સંગ્રહાલય પાસે સફેદ વાઘની જોડીની માંગણી કરવામાં આવી હતી. ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની મંજૂરી મળતા સુરત દીપડાની જોડી અને જળ બિલાડીની જોડી રાજકોટ પ્રાણી સંગ્રહાલય ખાતે મોકલવામાં આવી છે,  જેના બદલમાં એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સફેદ વાઘની જોડી આપવામાં આવી છે. તે આગામી 15મી ઓગષ્ટ બાદ લોકોના પ્રદર્શન માટે મૂકવામાં આવશે. આ સાથે સુરત ઝૂમાં સિલ્વર પીજનની જોડી પણ લવાઈ હતી.

સુરતમાં આવેલા વાઘ અને વાઘણ અઢી વર્ષના છે, તેમનો જન્મ રાજકોટ ઝૂમાં જ થયો હતો, વાઘનું નામ ગૌરવ છે અને વાઘણનું નામ ગીરીમા છે. આ સાથે જ હોગ ડિયરની 2 જોડી પણ સુરત નેચર પાર્કમાં લાવવામાં આવશે. આ સાથે ત્રણ મહિના પહેલા સિંહને બચ્ચાને જન્મ આપ્યો હતો, તે પણ ધીમે ધીમે મોટો થઇ રહ્યો છે. વ્હાઇટ બેંગોલ ટાઇગર તરીકે જાણીતી વાઘ દેશમાં માત્ર પાંચ સ્થળે જ જોવા મળે છે. મધ્યપ્રદેશના બાંધવગઢના નેશનલ પાર્કમાં, પશ્ચિમ બંગાળના સુંદરવન નેશન પાર્કમાં, તમિલનાડુમાં નીલગીરી હિલ્સમાં અને અસમના કાઝીરંગા નેશનલ પાર્ક અને ગુજરાતના રાજકોટ  માં જોવા મળે છે. જે હવે સુરતના નેચર પાર્કમાં પણ જોવા મળશે. સફેદ વાઘની જોડી આવતા સુરતના પ્રાણી સંગ્રહાલયને પણ નવું નજરાણું મળ્યું છે. આગામી દિવસોમાં અન્ય પ્રાણીઓના એક્સચેન્જ થકી મુલાકાતીઓને નવા પ્રાણી જોવા મળશે તેવી વિચારણા કરવામાં આવી છે.