પાકિસ્તાનના એક રાજદ્વારીએ સોશિયલ મીડિયા ઉપર બાંગ્લાદેશના આંદોલનની તસ્વીર પોસ્ટ કરી?
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને લઈને મંગળવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠકમાં કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ અને શેખ હસીના અંગે ભારતના વર્તમાન વલણ વિશે માહિતી આપી હતી. વિપક્ષ પણ કેન્દ્ર સરકારના સ્ટેન્ડ સાથે સહમત છે. બેઠકમાં હાજર રહેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકારને સવાલો પૂછ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સર્વપક્ષીય બેઠકમાં રાહુલ ગાંધીએ સરકારને તાત્કાલિક અને લાંબા ગાળાની રણનીતિ વિશે પણ પૂછ્યું હતું કે શું બાંગ્લાદેશમાં જે બન્યું તેની પાછળ કોઈ વિદેશી હાથ છે?
વિદેશ મંત્રી એસ જયશંકરે સર્વપક્ષીય બેઠકમાં સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. રાહુલ ગાંધીના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, સરકાર બાંગ્લાદેશમાં બદલાતા વિકાસ પર નજર રાખી રહી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાની રાજદ્વારીએ સોશિયલ મીડિયા પર આંદોલનની તસવીર સાથેનો ડીપી પોસ્ટ કરી હતી, જેના વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
બાંગ્લાદેશમાં અનામતને લઈને થયેલી હિંસા અને વિરોધ બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સરકારના પતન પછી હસીના ભારત આવ્યાં હતા. જોકે તેમણે બ્રિટન પાસે રાજકીય આશ્રય માંગ્યો હતો. જ્યાં સુધી હસીનાને બ્રિટનમાં આશ્રય નહીં મળે ત્યાં સુધી શેખ હસીના ભારતમાં જ રહેશે. સોમવારે તેમની સરકારના પતન બાદ ભારત સરકારે વચગાળાના સ્થળાંતરની પરવાનગી આપી છે.
ભારત સરકારે સર્વપક્ષીય બેઠકમાં કહ્યું કે, અમે બાંગ્લાદેશની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. સરકારે કહ્યું કે હાલમાં બાંગ્લાદેશમાં 12000 થી 13000 ભારતીયો છે. જો કે, દેશમાં સ્થિતિ એટલી વિકટ નથી કે આપણા નાગરિકોને ત્યાંથી બહાર કાઢવા પડે. સરકારે કહ્યું કે કુલ 20,000 લોકો ફસાયેલા છે. જેમાંથી 8000 વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા છે.